ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ રોડનું સમારકામ ન થતાં સર્જાયા જીવલેણ ખાડાઓ, ઓનલાઇન નોંધાવેલી ફરિયાદો પણ માત્ર કાગળ પરમોરબી : મોરબીના વીસી પરા મેઈન રોડ અને સનરાઈઝ પાર્ક (કૂવા પાસેના રોડ) વિસ્તારના લોકો હાલ બિસ્માર રસ્તાઓની સમસ્યાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ આ માર્ગો પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે અને કીચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે, જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં આ વિસ્તારમાં નવી પાણીની ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું નથી. પરિણામે રસ્તા પર અનેક મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે. વરસાદી પાણી ભરાઈ જવાથી આ ખાડાઓ દેખાતા નથી, જેના કારણે રોજબરોજ બાઈક, કાર અને અન્ય વાહનો ફસાઈ જવાના તેમજ અકસ્માત સર્જાવાના બનાવો બની રહ્યા છે. આ પરિસ્થિતિ સ્થાનિક લોકો માટે ખૂબ જ જોખમી સાબિત થઈ રહી છે.આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકો દ્વારા ઓનલાઇન માધ્યમથી પણ તંત્રને ફરિયાદ નોંધાવી છે. તેમ છતાં આ અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી. ચોમાસાની હજુ માંડ શરૂઆત થઈ છે ત્યારે જ રસ્તાની આવી દયનીય સ્થિતિ છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તો સ્થાનિકોની મુશ્કેલી અનેકગણી વધી જશે. જનહિતને ધ્યાનમાં રાખીને જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું સમારકામ હાથ ધરે અને લોકોને ન્યાય અપાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #VCPara #SunrisePark #BadRoads #Monsoon2026 #MorbiCity #GujaratNews #CivicIssues