દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર, ખરાબ રોડના કારણે વાહનચાલકો પરેશાનમોરબી: મોરબીના ઉદ્યોગ જગત માટે મહત્વપૂર્ણ ગણાતા રફાળેશ્વરથી બંધુનગર સુધીના સર્વિસ રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. જેના કારણે આ રોડ પરથી દરરોજ હજારોની સંખ્યામાં પસાર થતા ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ તેમજ માલ-સામાન લઈને જતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. રોડની ખરાબ હાલતને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેના લીધે લોકોને કામકાજના કિંમતી કલાકો વેડફવા પડે છે. આ ઉપરાંત, બિસ્માર રસ્તાથી વાહનચાલકોને માનસિક અસ્વસ્થતા થાય છે અને વાહનોને પણ મોટું નુકસાન પહોંચે છે. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યામાં વધારો કરતાં આ સર્વિસ રોડ પર આડેધડ થતું વાહનોનું પાર્કિંગ પણ અડચણરૂપ બની રહ્યું છે. મોરબીના ઉદ્યોગ અને વેપાર જગત સાથે સંકળાયેલા લોકોએ આ સર્વિસ રોડનું તાત્કાલિક સમારકામ ધરી, રસ્તાની ગુણવત્તા સુધારવા અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે સત્વરે પગલાં લેવા માંગણી કરી છે.