મોરબી : મચ્છુ ડેમ નજીક આવેલા પુલની હાલત ભયજનક સ્થિતિમાં હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે. મચ્છુ ડેમ પર આવેલા પુલના સ્લેબમાં બે જોઈન્ટ વચ્ચે આવેલો સાંધો છૂટો પડી ગયો હોવાનું સામે આવતા તંત્રની પોલ છતી થઈ છે. સ્લેબના બે સાંધા વચ્ચે ડામર રોડ ઉખડી ગયા બાદ એક જગ્યા પર સ્લેબના સરિયા દેખાઈ રહ્યા છે. જો કોઈ ભારે વાહનના ટાયરને આ સરિયામાં નુકશાન થાય તો ગંભીર અકસ્માત સર્જવવાનું જોખમ વર્તાઈ રહ્યું છે. ડેમ નજીક આવેલા મચ્છુ નદી પરના પુલની આવી હાલત જોતા ગમે ત્યારે ગંભીર ઘટના બનવાની ભીતિ જાણકારો ચર્ચિ રહ્યા છે. આ પૂલ પર અમુક જગ્યાએથી ડામર ઉખડી જવાને કારણે પણ ભયજનક બન્યો હોવાનું સામે આવ્યું છે. કોઈ ગંભીર ઘટના બને એ પહેલાં પુલનું સમારકામ થઈ જાય એ લોકોના અને તંત્રના હિતમાં હોવાની જાણકારો કહી રહ્યા છે. જો આ પુલની યોગ્ય દેખરેખ રાખવામાં નહિ આવે અને યોગ્ય જાળવણી નહિ કરાય તો હાલમાં પુલને થયેલું નુકશાન વધી જવાની આશંકા પણ દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંત પુલની બંને બાજુ જોડતા રસ્તા પર પડેલા ગાબડા પણ તાકીદે પુરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.