સત્તરમી સદીના કવિ તુલસીદાસે પોતાના મહાકાવ્ય રામચરિતમાનસમાં પતંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કેવી રીતે હનુમાન ઈન્દ્રલોકમાં ઉડી રામની પતંગ પરત લઈ આવ્યામોરબી : મકરસંક્રાતિના તહેવારનું હિંદૂ ધર્મમાં વિશેષ મહત્વ છે. મકરસંક્રાતિને ઉતરાયણ તરીકે પણ ઉજવાય છે. ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જે બાદ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર, નદીમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પૂણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ તહેવાર દરેક સ્થળે અલગ-અલગ રીત-ભાત અને પરંપરાથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ઉંઘિયુ અને ચિક્કી જેવી વાનગીઓનું પણ ઘણું મહત્વ જોવા મળે છે. આ સાથે આકાશમાં રંગ-બેરંગી પતંગો જોવા મળે છે. આકાશમાં ઉડતી રંગ-બેરંગી પતંગો જોવામાં જેટલો આનંદ આવે છે એટલો જ આનંદ લોકો એક-બીજાની પતંગોના પેચ લગાવી પતંગોને કાપવાનો લેતા હોય છે. 1989માં ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં પતંગ પ્રેમીઓને પતંગ ઉડાવવા અને આકાશના પૃષ્ઠ પર સેંકડો નાના, રંગબેરંગી બિંદુઓ જોવા માટે આમંત્રણ આપે છે. ત્યારે શું તમે જાણો છો કે, ઉતરાયણમાં આકાશમાં ઉડાવવામાં આવતી પતંગનો ઈતિહાસ શું છે ? પતંગ ઉડાવવાની શરૂઆત ક્યારથી અને કોના દ્વારા કરવામાં આવી ? મકરસંક્રાંતિમાં મનોરંજન માટે ઉડાવવામાં આવતી પતંગની સંરચના સરળ છે. પરંતુ ભારતમાં તેનો ઈતિહાસ એટલો જ જટિલ છે. પતંગની ઉત્પતિને લઈને હજી પણ વિવાદ જોવા મળે છે. પતંગની ઉત્પતિને લઈને કોઈ સચોટ લેખિતમાં ઈતિહાસ મળતો નથી. પરંતુ કેટલાક ઐૈતિહાસિક સ્ત્રોતો અનુસાર, પતંગની ઉત્પતિ મેલાનેશિયા, માઈક્રોનેશિયા અને પોલિનેશિયામાં થઈ છે. પરંતુ પતંગની શોધ ચીનમાં થઈ હોવાનું મોટા પ્રમાણમાં માનવામાં આવે છે. પતંગ ઉડાવવાનું સૌપ્રથમ લેખિત વર્ણન ઈ. સ. પૂર્વે 206નું છે. જેમાં ચીનના હ્વેન ત્સાંગે લિયૂ પાંગની સેનાને ડરાવવા માટે પતંગ ઉડાવી હોવાનો ઉલ્લેખ છે. વિભિન્ન સ્ત્રોતોમાંથી જાણવા મળે છે કે, ઈ.સ.પૂર્વે 169 સુધીમાં હાન રાજવંશ હેઠળ પતંગ ઉડાવવાની પરંપરા પ્રચલિત હતી. અને ચીની જનરલ હાન હ્સિને સૈનિકો દ્વારા ઘેરાયેલા શહેર પર પતંગ ઉડાવી હતી. જેથી તે અંગે ગણતરી કરી શકાય કે તેમની સેનાએ શહેરની દિવાલ સુધી પહોંચવા માટે કેટલી દૂર સુધી સુરંગ બનાવવી પડશે. ત્યારબાદ જેમ-જેમ સમય વિતતો ગયો તેમ-તેમ અન્ય સંસ્કૃતિઓની સાથે અન્ય વસ્તુઓનો સંપર્ક થયો અને પતંગો ભારતીય મહાદ્વિપ સુધી પહોંચી ગઈ. માન્યતા અનુસાર, બૌદ્ધ ધર્મ પ્રચારકોની સાથે પતંગો પૂર્વથી સિલ્ટ રૂટ દ્વારા ભારતમાં આવી હતી, જે બાદ તેને અરબ અને યૂરોપ જેવા દેશોની યાત્રા કરી. પ્રાચીન ભારતીય સાહિત્યમાં પતંગનું સૌપ્રથમ લેખિત વર્ણન તેરમી(13) સદીમાં મરાઠી સંત અને કવિ નામદેવની કવિતામાં જોવા મળે છે. પોતાની કવિતાઓ અથવા ગાથાઓમાં તેમને પતંગને ગુડી કહી અને આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, પતંગો કાગદ (કાગળ)થી બનાવવામાં આવે છે. સોળમી (16) સદીમાં મરાઠી કવિઓ જેવા કે, દાસોપંત અને એકનાથના ગીતો અને કવિતાઓમાં પણ પતંગોનું લેખિત વર્ણન જોવા મળે છે જેમાં તેઓ પતંગને વાવડી કહે છે. આ ઉપરાંત પશ્વિમી ભારતના કવિઓની સાથે જ હિંદી કવિ બિહારીની સતસઈમાં અવધ ક્ષેત્રમાં પતંગોનું લેખિત વર્ણન ઉપસ્થિત છે. સત્તરમી(17) સદીના કવિ તુલસીદાસે પોતાના મહાકાવ્ય રામચરિતમાનસમાં પણ પતંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, કેવી રીતે હનુમાન ઈન્દ્રલોકમાં ઉડી રામની પતંગ પરત લઈ આવ્યા હતા. કવિતામાં તેઓએ પતંગને છગ્ગ કહી છે. અ ડિફરેંટ ફ્રીડમ: કાઈટ ફ્લાઈંગ ઈન વેસ્ટર્ન ઈન્ડિયાની લેખિકા નિકિતા દેસાઈ અનુસાર, રામાયણ અને વેદોમાં પણ પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. મુગલ શાસનકાળમાં પતંગ ઉડાવવી એ મુખ્ય રીતે કુલીનવર્ગની વચ્ચે એક રમતના રૂપમાં બદલાઈ ગઈ હતી. વધતી લોકપ્રિયતા સાથે, સારી રીતે ઉડાવી શકાય તે માટે પતંગની ડિઝાઈનમાં સુધારો-વધારો કરવામાં આવ્યો. તે સમયના મુગલ ચિત્રો અને લઘુચિત્રોમાં પુરુષો અને મહિલાઓ બંન્ને પતંગ ઉડાવતા દેખાય છે. એવું માનવામાં આવે છે કે, 1812માં અલ્હાબાદમાં ત્રણ વર્ષના વનવાસ બાદ દિલ્હી પરત ફરતા શહેરવાસીઓએ પતંગ ઉડાવી અને તેમની માતાને ચાદર ચડાવી ઉજવણી કરી હતી. આ આયોજનને આજે પણ 'ફૂલો વાળાની સૈર'ના રૂપમાં ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ હલીમ શરરની અનુવાદિત કૃતિ લખનૌ : ધ લાસ્ટ ફેઝ ઓફ એન ઓપિએન્ટલ કલ્ચરમાં પણ પતંગ ઉડાવવાનો ઉલ્લેખ છે. તેમને લખ્યું છે કે, અઠારમી(18) સદીમાં રાજા શાહ આલમ પ્રથમના શાસનકાળ દરમ્યાન પતંગોમાં રસ વધ્યો. તેમના વર્ણનથી જાણવા મળે છે કે, ચીની ફાનસ જેવા દેખાતા તુક્કલને 18મી સદીમાં લડાયક પતંગો તરીકે પસંદ કરવામાં આવતા હતા. અને તુક્કલના શ્રેષ્ઠ પ્રકારને દર્શાવવા માટે પતંગ શબ્દ ઉભરી આવ્યો. મુગલ સામ્રાજ્યના પતન બાદ પણ પતંગ ઉડાવવાની પરંપરા ચાલતી રહી. તે ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ જેવા તહેવારો દરમ્યાન પંજાબ ક્ષેત્રમાં વસંત પંચમી અને વૈશાખીના પ્રસંગે કરવામાં આવતી માત્ર એક મોસમી પ્રવૃતિ હતી. ભારત જ્યારે વસાહતી શાસન હેઠળ હતું ત્યારે પતંગનું સ્વરૂપ, કદ અને ડિઝાઈન વિકસિત થયું તે સમયે આધુનિક પતંગ અસ્તિત્વમાં આવી. કેટલાક સ્ત્રોતો દ્વારા જાણવા મળ્યું છે કે, જ્યારે સાઈમન કમિશન લાગૂ કરવામાં આવ્યું ત્યારે ભારતીય મહાદ્વિપના લોકોએ 'સાઈમન વાપસ જાઓ' શબ્દો સાથે સેંકડો પતંગો ઉડાવી વિરોધ કર્યો હતો. કદાચ એટલા માટે જ સ્વતંત્રતા દિવસ પર પતંગ ઉડાવવાની પરંપરાની શરૂઆત થઈ હતી. 15 ઓગસ્ટના શાહજહાનાબાદ જેને હાલ જૂની દિલ્હી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં અગાસી પર ઉત્સાહી બાળકો અને વયસ્કો દ્વારા પતંગ ઉડાવવામાં આવે છે. દેશના પશ્વિમ ભાગોમાં મકરસંક્રાંતિના દિવસે અગાસી પર નાના બાળકોથી લઈ યુવાઓ અને વયસ્કો દ્વારા 'કાઈપો છે'નો અવાજ સંભળાય છે. ગુજરાત લાંબા સમયથી પતંગબાજી સાથે સંકળાયેલ છે, અને ભાનુ શાહ દ્વારા સંકલ્પિત પતંગ સંગ્રહાલય પણ છે જે ઐતિહાસિક પતંગોનો ખજાનો છે. સંગ્રહાલયમાં પતંગો અને ચિત્રોની 33 પેનલ છે જેને તેમના દ્વારા લંડનના વિક્ટોરીયા અને અલ્બર્ટ સંગ્રહાલય જેવા સ્થળો પર એકત્ર કરવામાં આવી છે.