મગફળી અને બાગાયતી પાકો નિહાળી રાસાયણિક મુક્ત ખેતી અપનાવવા ખેડૂતોને આપ્યું પ્રોત્સાહનમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ખેડૂતો રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પર્યાવરણપૂરક પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેતી ખર્ચ ઘટાડી સમૃદ્ધ બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ટંકારા તાલુકાના જબલપુર ગામે આત્મા (ATMA) યોજના અને 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ'ના સહયોગથી કાર્યરત 'બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર' (ક્રિષ્ના પ્રાકૃતિક ફાર્મ) ની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી.આ તકે કલેક્ટરે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરો ઉપલબ્ધ થવાથી ખેડૂતોને ગુણવત્તાસભર પ્રાકૃતિક ખાતર અને દવાઓ સુગમતાથી મળી રહેશે. આ મુલાકાતથી મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે અને જમીનની ફળદ્રુપતા તથા પર્યાવરણના જતનને નવી દિશા મળશે.મુલાકાત દરમિયાન કલેક્ટરે દેશી પદ્ધતિથી તૈયાર થતા પ્રાકૃતિક કૃષિ મોડલની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે ખેતી માટે અત્યંત ઉપયોગી એવા બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતના નિર્માણની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી. આ ઉપરાંત ફાર્મ પર વાવેતર કરાયેલા મગફળીના પાક તથા બાગાયતી પાકોની સ્થિતિનું સ્થળ તપાસ કરી પાક સંરક્ષણ માટે ઉપયોગી નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દસપર્ણી અર્ક જેવા જૈવિક કીટનાશકોના ઉપયોગ અંગે ખેડૂતો અને અધિકારીઓ સાથે સંવાદ સાધ્યો હતો.