ચીનના હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અપાઈ મોરબી : ચીનની દગાખોરી સામે ભારત દેશમાં ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા ચીનની દગાખોરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ચીનના હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સરહદ પર ચીન અને ભારતીય સેનાના જવાનોના વચ્ચેના ઘર્ષણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. તેથી, ચીનની દગાખોરીનો વિરોધ કરવા માટે મોરબી જિલ્લા,શહેર રાજપૂત કરણી સેના દ્વારા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ભારત માતાની રક્ષા કાજે પ્રાણની આહુતિ આપનાર ભારતીય સેનાના 20 શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ ચીનને પાઠ ભણવામાં માટે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા લોકોને સ્વયંભૂ ચાઇના પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરવાની અપીલ કરવામાં આવી હતી અને ચાઇનાની પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મુકવાની ભારત સરકાર સમક્ષ માંગ કરી છે.