શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને કીટ તથા ધોરણ-1 ના વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ માટે સરગવાના છોડ અપાયામોરબી: જુના અમરાપર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળામાં પ્રવેશ મેળવતા આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 ના બાળકોનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.ધોરણ-1 માં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને વિદ્યા પ્રવેશ પુસ્તક આપવાની સાથે-સાથે પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી સરગવાના રોપા આપી વૃક્ષ ઉછેરનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમજ આંગણવાડીના બાળકોના સર્જનાત્મક વિકાસ માટે રમકડાની કીટ અને બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિઓ રસપ્રદ બને તે માટે ખાસ શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી વાલીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકોને નિયમિત શાળાએ આવવા પ્રેરણા આપી હતી.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલા, શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો, આંગણવાડી કાર્યકરો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આચાર્ય અમરશીભાઈ વાઘેલાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.#Morbi #JunaAmrapar #ShalaPraveshotsav #Education #Environment #GreenInitiative #MorbiNews