1 એસપી, 4 ડીવાયએસપી, 10 પીઆઇ, 25 પીએસઆઇ સહિત 200 થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશેમોરબી : આવતીકાલે તારીખ 24 જાન્યુઆરી ને શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મોરબી જિલ્લાના વિવિધ વિભાગોના આસરે 1042 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ બપોરે 2 કલાકે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ (રામકો) (ઉમિયા નવરાત્રિ મહોત્સવ ગ્રાઉન્ડ) ખાતે યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કુલ 284 જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં 43945.88 લાખના કુલ 154 કામોનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે 60325.31 લાખના કુલ 130 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોમાં માર્ગ અને મકાન વિભાગ હેઠળના કામો, આરોગ્ય વિભાગ હેઠળના કામો, મોરબી મહાનગરપાલિકા હેઠળના કામો, પાણી પુરવઠા બોર્ડના કામો, સિંચાઈ વિભાગના કામો, રોડ રસ્તાના કામો સહિતના કામનો સમાવેશ થાય છે.મુખ્યમંત્રીના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમમાં 1 એસપી, 4 ડીવાયએસપી, 10 પીઆઇ, 25 પીએસઆઇ સહિત 200 થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાયો છે.