વાંકાનેર : વાંકાનેર શહેરની ભાગોળે આવેલી ભાટિયા સોસાયટીમાં શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત મંદિરોમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રી જલારામબાપા, શ્રી પરશુરામ ભગવાન તથા રણછોડદાસ બાપુની મૂર્તિનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં છેલ્લા અને ત્રીજા દિવસે તમામ દેવોને મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી. પ્રતિષ્ઠા વિધિ પ્રધાનાચાર્ય ગોપાલભાઈ પંડ્યાના આચાર્ય પદે 11 ભૂદેવો દ્વારા હવનમાં ત્રણ દિવસ સુધી સર્વ જીવ હિતાર્થે આધિ વ્યાધિ ઉપાધિના નાશ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અપાઈ હતી.મહોત્સવમાં ચાર કુંડી હોમાત્મક હવન કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય યજમાન પંડ્યા પરિવારના મુકેશ નરોત્તમભાઈ પંડ્યા તથા હેતલ મુકેશકુમાર પંડ્યા દ્વારા કષ્ટ ભંજન હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા માટે પૂજન અર્ચન સાથે પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. સાથે જ બીજા યજમાનો દ્વારા જલારામબાપા, શ્રી પરશુરામ ભગવાન તથા રણછોડદાસ બાપુની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં પૂજન કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા વિધિના અંતે ચારેય યજમાનો સાથે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ, સેવા મંડળના સભ્યો આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં બીડુ હોમાયું હતું.પ્રતિષ્ઠા વિધિ બાદ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય યજમાન પંડ્યા પરિવારના મોભી પ્રવિણભાઇ નરોત્તમભાઈ પંડ્યાનું ગંગેશ્વર મહાદેવ સમિતિના ટ્રસ્ટી કોટકભાઈ દ્વારા સ્મૃતિચિહ્ન આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ , નાગાબાવાજી મંદિરના મહંત, ફળેશ્વર મહાદેવ મંદિરના વિશાલભાઈ પટેલ આશીર્વાદ પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સન્માન કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પ્રદેશ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રગ્નેશભાઇ પટેલ, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા, પૂર્વ શહેર ભાજપ મહામંત્રી કે. ડી.ઝાલા , ભાજપ અગ્રણી ચેતનગિરિ ગોસ્વામી નગર સેવક જીગ્નેશભાઈ નાગ્રેચા સહિત અનેક મહાનુભાવોએ હાજર રહી મંદિર નિર્માણના ભગીરથ કાર્યમાં સહભાગી બનનાર દાતાઓ, ટ્રસ્ટીઓ તેમજ સેવાકાર્યમાં જોડાનાર તમામ લોકોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે મંદિર નિર્માણ માટે સહભાગી થવાની તક ઈશ્વરની કૃપા વગર શક્ય નથી. તેમજ શૈલેષભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે મંદિર નિર્માણ, પ્રાણ પ્રતિષ્ઠા તથા મહાપ્રસાદ સહિતના ભગીરથ કાર્યમાં સહભાગી થવાનો મને અવસર મળ્યો તેમાં ભગવાન શ્રી ગંગેશ્વર મહાદેવની અસિમ કૃપા છે. આ ઉપરાંત પ્રવિણભાઇ પંડ્યા કહ્યું હતું કે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલી પ્રાણ પ્રતિષ્ઠા વિધિથી મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવે છે મંત્રોચ્ચાર થકી મૂર્તિમાં ઇશ્વરીય શક્તિ જીવંત બને છે. જે કોઈ ધર્મકાર્યની શરૂઆત બ્રાહ્મણોથી થાય તેમાં દેવાધિદેવ મહાદેવની કૃપા હંમેશા હોય જ અને જેમા 100% સફળતા મળે જ છે.