ગેસ ઉપર 6 ટકા વેટ લેવામાં આવતો હોય આ વેટ ક્યાંય પણ બાદ મળતો ન હોવાથી ઉદ્યોગકારોને મોટો માર પડે છે, ગેસ ઉપર વેટની બદલે ત્રણ ગણો જીએસટી લ્યે તેવી ઉદ્યોગકારોની માંગ, જેથી જીએસટી બાદ મળી શકેહાલ મંદીના લીધે 30 લાખ ક્યૂબીક મીટર જ ગેસનો વપરાશ, તેજીમાં જ્યારે વપરાશ 80 લાખ ક્યૂબીક મીટર પહોંચે, ત્યારે દરરોજના અધધધ રૂ.2.40 કરોડ સ્વાહા થઈ જાયમોરબી : મોરબી સિરામિક ઉદ્યોગ અત્યારે મંદીમાં સપડાયેલો છે. આ ઉદ્યોગમાં હાલ જે ગેસનો વપરાશ થાય છે. તેમાં જે વેટ લેવામાં આવે છે. તે ક્યાંય બાદ મળતો નથી. જેથી સિરામિક ઉદ્યોગમાં અત્યારે દરરોજ રૂ.90 લાખ સ્વાહા થઈ જાય છે. ઉદ્યોગકારોને પડી રહેલો આ માર અત્યારે મંદીના સમયમાં મરણતોલ સાબિત થઈ રહ્યો છે. સિરામિક ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યું છે. જેના કારણે અગાઉ ક્રમશઃ યુનિટ બંધ કરવાની વિચારણા કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ટાઇલ્સના ભાવમાં 10 ટકાનો વધારો પણ કરવામાં આવ્યો હતો. આમ સિરામિક ઉદ્યોગને મંદીમાંથી ઉગારવા માટે પ્રયાસો સતત ચાલી રહ્યા છે. જો કે આ સમસ્યા વચ્ચે એક સમસ્યા સૌથી વધુ ઉદ્યોગકારોને નડી રહી છે. તે સમસ્યા વેટની સમસ્યા છે. હાલ સિરામિક ઉદ્યોગમાં જે ગેસનો વપરાશ થાય છે તેમાં 6 ટકા વેટ લેવામાં આવે છે. અત્યારે સિરામિક ઉદ્યોગમાં મંદીના કારણે પ્રતિ દિવસ 30 લાખ ક્યૂબીક મીટર ગેસનો વપરાશ થાય છે. જેમાં વેટના દરરોજ રૂ.90 લાખ સ્વાહા થઈ રહ્યા છે. આવી જ રીતે તેજી વખતે પ્રતિ દિવસ ગેસનો વપરાશ 80 લાખ ક્યૂબીક મીટરે પહોંચે છે. ત્યારે દૈનિક રૂ.2.40 કરોડ સ્વાહા થઈ જાય છે. આમ સિરામિક ઉદ્યોગ ઉપર આ ગેસનો વેટ મરણતોલ ફટકો સાબિત થઈ રહ્યો છે. આ મામલે સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી અમે સરકારમાં રજુઆત કરીએ છીએ કે ગેસમાં જે 6 ટકા વેટ લેવામાં આવે છે. તેની બદલે ભલે 18 ટકા જીએસટી લેવામાં આવે. તે અમને મંજુર છે. કારણકે વેટની રકમ બાદ મળતી નથી. જેથી પ્રોડક્ટની કોસ્ટ ઉંચી થઈ જાય છે. જો જીએસટી લેવામાં આવે તો જીએસટી બાદ મળી શકે છે. આમ જીએસટી લેવામાં આવે તો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક કક્ષાની હરીફાઈમાં સારૂ પ્રદર્શન કરી શકશે.