મોટાભાગનો કપાસ રિજેક્ટ થતો હોય એ ગ્રેડની સાથે અન્ય ગ્રેડ પણ ફાળવે તેવી ખેડૂતોની માંગ મોરબી : મોરબી જિલ્લામાં કપાસની ટેકાના ભાવે ખરીદી માટે જિલ્લામાં સીસીઆઈનું એક જ કેન્દ્ર હોવાથી અન્ય તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા જવામાં લાંબો પથ કાપવો પડે છે અને હાલની લોકડાઉનની સ્થિતિમાં વાહન લઈને કપાસ વેચવા જવામાં ખેડૂતોને હાલાકી પડે છે. તેથી, માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા સહિતનાની રજુઆતને પગલે મોરબી માળીયા વચ્ચે એક સીસીઆઈ કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં હાલ.સીસીઆઈ દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પણ આ સીસીઆઈની ખરીદીનું ટંકારામાં એક જ કેન્દ્ર હોવાથી અન્ય તાલુકાઓને ખેડૂતોને કપાસ વેચવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી, મોરબીના માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા સહિતના ખેડૂત અગ્રણીઓએ મોરબી જિલ્લામાં દરેક તાલુકા વાઇઝ સીસીઆઈ કેન્દ્રો ખોલવાની ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી. જેના પગલે સરકાર દ્વારા મોરબી અને રાજકોટમાં બે સીસીઆઈ કેન્દ્રો શરૂ કરવાની મંજૂરી મળી છે. જેમાં મોરબી અને માળીયા તાલુકા વચ્ચે એક સીસીઆઈ કેન્દ્રની મંજૂરી મળી હોય જગ્યા હવે ફાઇનલ થશે. આ કેન્દ્ર ટૂંક સમયમાં શરૂ થશે. જોકે મોરબી જિલ્લાના ખેડૂતોનો ઘરમાં કપાસનો મબલખ પાક પડ્યો છે. પણ સીસીઆઈના અણઘડ નિયમોને કારણે મોટાભાગનો કપાસ રિજેક્ટ થાય છે. એવી ખેડૂતોમાં વ્યાપક ફરિયાદ છે. જેમાં હાલ એક જ એ ગ્રેડના કપાસની ખરીદી થાય છે. એટલે સારો કવોલિટી વાળા કપાસની રૂ.1100ના ભાવે ખરીદી થાય છે. મોટાભાગના ખેડૂતોનો કપાસ એ ગ્રેડનો હોતો નથી. તેથી, ખેડૂતો માલ લઈને વેચવા જાય ત્યારે તેમનો કપાસ એ ગ્રેડનો ન હોય રિજેક્ટ થતો હોય પરત આવવું પડે છે. તેથી, ખેડૂતોની માંગણી છે કે અન્ય ગ્રેડ ફાળવીને પોષણક્ષમ કપાસનો ભાવો આપો.ચોમાસુ માથે આવી રહ્યું છે. ત્યારે ઘણા ખેડૂતોના ખેતરમાં કે ઘરમાં રહેલા કપાસની વહેલી તકે ખરીદી નહિ થાય તો તેમને મોટી નુકશાની ભોગવવાનો વારો આવશે.