આરાધ્યદેવ દેશળ દેવની 95મી પુણ્યતિથિની ઉજવણીની તૈયારીના ભાગરૂપે મિટિંગ યોજાઈ હતી મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખવાસ સમાજના આરાધ્ય દેવ દેશળ દેવની 95મી પુણ્યતિથિ આગામી તા. 4 એપ્રિલના ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે જ્ઞાતિની વાડીએ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ મિટીંગમાં જ્ઞાતિજનોની પાંખી હાજરી હોવાથી જ્ઞાતિનાં ઉપસ્થિત આગેવાનો દ્વારા આ વર્ષે જ્ઞાતિ ભોજન રદ કરી માત્ર આરતી કરી પ્રસાદ વહેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અન્ય કોઈ પીઢ જ્ઞાતિજનોની સલાહ સૂચન લીધા વિના વર્ષોથી યોજાતું જ્ઞાતિ ભોજન રદ કરવાનો ઠરાવ પણ કરી નાખવામાં આવતાં સમગ્ર વાંકાનેર પંથકનાં ખવાસ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. ખવાસ સમાજનાં આરાધ્ય દેવ પૂજ્ય દેશળ દેવની પુણ્યતિથી ઉજવણીની વર્ષો જૂની પરંપરા તૂટતાં ભારોભાર રોષ ભભૂકી ઉઠયો છે. માત્ર પાંચ આગેવાનોએ કોને પૂછીને જ્ઞાતિ ભોજન રદ કરવાનો નિર્ણય લીધો ? વર્ષોની પરંપરા માત્ર પાંચ આગેવાનો કેવી રીતે તોડી શકે ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. આ મુદ્દે જ્ઞાતિનાં અન્ય કોઈ પીઢ આગેવાનો આગળ આવી જ્ઞાતિ ભોજનની વર્ષો જૂની પરંપરા યથાવત રાખે તેવી પ્રબળ માંગ ખવાસ સમાજમાંથી ઉઠવા પામી છે.