પૌષ્ટિક એવા થેગ નામના ધાનનું મહત્વ ઘટી રહ્યું છે : ભારે મહેનતથી જમીનમાથી કાઢવામા આવતા ધાનના હવે નગણ્ય ચાહકો : થેગ વેંચવા વાળાને મહેનતન પૂરતુ વળતર મળતુ નથી મોરબી : 'થેગ લ્યો રે થેગ'ની બુમો હવે શેરી ગલીઓમાં સંભળાતી નથી. 'થેગ' એટલે શું એ નવી પેઢીને થેગ દેખાડીને સમજાવવું પડે છે. જુવારના દાણા જેવી દેખાતી થેગ નામની ઘાંસના કુળના ધાનની પૌષ્ટિક કિંમતનો નવી પેઢીને ખ્યાલ નથી ત્યારે સ્વાભાવિક રીતે જ થેગ વેચવા નીકળતા ગામઠી ફેરિયાઓ પણ હવે ખાસ જોવા મળતા નથી. નળસરોવરના ગામડાઓમાં ચોમાસાના પહેલા વરસાદે આપમેળે ઉગી નીકળતા એક ખાસ પ્રકારના ઘાસને જમીનમાંથી ઉખાડીને તેના બીજને સાફ કરી તેને શેકવામાં આવે છે. આ કાર્ય પરંપરાગત રીતે ગ્રામ્ય પંથકમા વસતા લોકો દ્વારા કરવામા આવે છે. આ થેગ નામનું ધાન શહેરમાં વેચવા માટે કાપડના પોટલમાં ભરીને ગલીએ ગલીએ વેચવા માટે આવતા ગ્રામીણ ફેરિયાઓ હવે થેગ માટે કદરદાન ગ્રાહકો શોધતા ફરે છે. કેમ કે નવી પેઢીને ફાસ્ટફૂડના ચટાકાનો એવો સ્વાદ લાગ્યો છે કે પૌષ્ટિક તત્વોની પ્રચુરમાત્રા ધરાવતા થેગનો સ્વાદ હવે તેને ફિક્કો લાગે છે. થેગનુ બોટનિક નામ સાયપરસ બુલબોસસ છે. આ થેગ જુવાર જેવી સફેદ અને દણાદાર હોય છે. ઘણા લોકો સાકર સાથે ભેળવીને થેગનો માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરતા. બાળકો અને મહિલાઓ થેગના ખાસ ચાહકો હતા. થેગ એ શક્તિવર્ધક અને ઠંડી સામે રક્ષણ આપનાર તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારનાર ધાન છે. માત્ર 40 રૂપિયે 100 ગ્રામ વેચાતી થેગની ન્યુટ્રિશિયન વેલ્યુ ખૂબ હાઈ હોય છે. ખાસ કરીને કિડની અને મૂત્ર સંબંધી રોગો અને પથરીમા થેગ ખૂબ ફાયદાકારક છે. જો કે હાલની ખાન-પાનની વ્યવસ્થામાં આવા થેગ જેવા ઘણા પ્રાકૃતિક વ્યંજનો લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે કમસેકમ થેગ વેચવા આવનારાઓની રોજી રોટી જળવાઈ રહે અને ભાવિ પેઢી પ્રાકૃતિક આહારનુ મૂલ્ય સમજે એટલા પૂરતુ પણ એક વાર તો સંતાનોને થેગનો સ્વાદ જરૂર ચખાડવો જોઈએ.