સીરામીક કેમિકલ વેંચતા ભાગીદારોએ પશુઓ માટેના કેમિકલનો વેપાર કરી કમાવા ગયા અને 29.58 લાખ ખોયા મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર સિરામિક કેમિકલનો ધંધો કરતી ભાગીદારી પેઢીના ભાગીદારોને મલાઇ વાળો પશુ કેમિકલનો ધંધો કરવાની લાલચમાં ફસાવી પંજાબ અને કહેવાતા અમેરિકાના શખ્સોએ ઓનલાઈન ઠગાઈ કરી રૂપિયા 29.58લાખના શિશામા ઉતારી દેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ગોલ્ડન માર્કેટમાં ઓફીસ ધરવતા અને સિરામિક કેમિકલનો ધંધો કરતા સાગર પ્રાણજીવનભાઈ ભાડજાએ સ્ટેટ સાયબર ક્રાઇમમાં પોતાની સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હોવા અંગે ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તા.13 - 12 - 2022થી 30 - 12 - 2022ના ગાળા દરમિયાન ચંદીગઢ પંજાબમા આવેલ શર્મા એન્ટરપ્રાઇઝના શ્રીમતી અગ્રવાલ અને બીશ્વજીત રોય નામના શખ્સોએ પશુ કેમિકલ અંગેનો ધંધો કરવાની ઇમેઇલ મારફતે લાલચ આપી વોટ્સએપ કોલ મારફતે પ્રોડકટનો ઓર્ડર આપી બાદમાં કટકે કટકે બન્ને ભેજાબજોએ રૂપિયા 29,58,625 જેવી માતબર રકમ બેન્ક મારફતે ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે હાલમાં સાગર ભાડજાની ફરિયાદને આધારે બન્ને વિરુદ્ધ આઇપીસી કલમ 406, 420 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.