નિવૃત કર્મચારીઓને શાલ ઓઢાડી માનભેર વિદાય અપાઈ મોરબી : મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નિવૃત કર્મચારીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો 11 મો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ અને નિવૃત્ત કર્મચારીઓનો વિદાય કાર્યક્રમ મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ઇનામ આપવા માટે દાતા પ્રોફેસર રામભાઈ વારોતરીયા એ આર્થિક સહાય આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત કર્મચારીઓને શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી વિદાય આપવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓને ઘરે જઈને પ્રમાણપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મયુરભાઈ ગજીયા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન મંડળના પ્રમુખ અજયભાઇ ડાંગરે આપ્યું હતું. અને આભારવિધિ વિક્રમભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચંદુભાઈ હુંબલ, રામભાઈ વારોતરીયા, દિનેશભાઈ હુંબલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના મુખ્ય હોદ્દેદારો તેમજ કારોબારી સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમ પ્રમુખ અજયભાઈ ડાંગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.