નર્મદા નીગમને તાકીદે બ્રાહ્મણી ડેમમાં પાણી ઠાલવવા પાણી પુરવઠા બોર્ડની માંગ મોરબી : મોરબી જિલ્લામાં હાલ ધોમધખતા તાપ વચ્ચે જળસંકટના વાદળો ઘેરાયા છે. જેમાં હળવદના બ્રાહ્મણી ડેમના તળિયા દેખાયા છે. આથી નર્મદા નીર ન ઠલવાઇ તો હળવદના 22 જેટલા ગામોમાં જળ કટોકટીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ એમ છે. બીજીતરફ માળીયા, વાંકાનેરમાં હાલ પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાથી આ તાલુકાઓમાં ટેન્કર રાજની સ્થિતિ ઉદભવી છે. જેમાં દરરોજ 50 ટેન્કરથી પાણી વિતરણ.કરવામાં આવી રહ્યાનો તંત્રએ દાવો કર્યો છે. મોરબી જિલ્લામાં હાલ ઉનાળાના મધ્યાહ્નને હળવદ તાલુકામાં જો તંત્ર સ્મયસર આયોજન ન કરે તો પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાય શકે એમ છે. જેમાં હળવદનો બ્રાહ્મણી-2 ડેમ હવે ખાલી થવાની તૈયારીમાં છે. હવે આ ડેમમાં માત્ર પાંચ કે સાત દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે. હળવદના બ્રાહ્મણી-2 ડેમમાંથી જીડબ્લ્યુએલવાળા 125 એમએલડી પાણી અને પાણી પુરવઠા બોર્ડ દરરોજ 19 એમએલડી પાણી ઉપાડે છે. આથી હવે ડેમ ડુકી ગયો હોય આવનારા થોડા દિવસોમાં જ પાણીની મોટી હાડમારી સર્જાશે. આ અંગે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર વાંકાણીએ જણાવ્યું હતું કે, આ હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ખલાસ થવાની તૈયારીમાં હોય તેમના દ્વારા નર્મદા નિગમ અને જળસંપત્તિ વિભાગને રજુઆત કરીને વહેલીતકે આ ડેમને નર્મદાના નિરથી ભરી દેવા માંગ ઉઠાવી છે. નર્મદા નિગમ અને જળસંપત્તિ વિભાગને રજુઆત બાદ પણ હજુ આ ડેમને નર્મદા નિરથી ભરી દેવાયો ન હોય ફરીથી રજુઆત કરી તેમજ મોરબી ખાતે કલેકટર કચેરીમાં સંકલન સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.ત્યારે ટુક સમયમાં હળવદનો આ ડેમ નર્મદાથી નહિ ભરાય તો હળવદ તાલુકાના 22 ગામોને પાણી માટે વલખા મારવાની નોબત આવશે. જ્યારે માળીયા અને હળવદના અગર વિસ્તારમાં 46 ફેરા સાથે પાણીના ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે. જેમાં માળીયાના મંદરકી ગામે દરરોજ દસ હજાર લીટર પાણી તેમજ વાંકાનેરના લાકડધારમાં 10 હજાર લીટરના 3 ફેરા સાથે ટેન્કર પહોંચાડવામાં આવે છે. બાકી ક્યાંય પાણીની સમસ્યા નથી તેમ પાણી પુરવઠાના અધિકારીએ જણાવ્યું હતું.