૫૦ પુસ્તકોથી શરૂ થયેલી જ્ઞાનયાત્રામાં હાલ ૩૦૦૦થી વધુ પુસ્તકોનો ભંડાર મોરબી : આજથી ત્રણ વર્ષ પહેલાં મોરબીના પુસ્તક શોખીનોએ આજના યુવાનો પુસ્તકાભિમુખ બને એ માટે એક અનોખી પહેલ 'પુસ્તક પરબ'ના નામે સરદારબાગમાં શરૂ કરી હતી. જેણે તેની ત્રણ વર્ષની સફળ સફરયાત્રા પુરી કરી આજે ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો. જે નિમિત્તે આશરે ૧૨૦૦થી ૧૩૦૦ જ્ઞાનપીપાષુઓએ આજે પુસ્તક પરબની મુલાકાત લીધી હતી. માત્ર ૫૦ પુસ્તકોથી આજથી ત્રણ વર્ષ પહેલાં પુસ્તક પરબની સ્થાપના થઇ હતી. જેમાં દર માસના પહેલા રવિવારે પુસ્તકના ચાહકો માટે તેઓના રસના વિષયના બે પુસ્તકો વાંચન માટે નિઃશુલ્ક આપવામાં આવતા હતા. આ ત્રણ વર્ષ દરમ્યાન આજે ૫૦ પુસ્તકોથી શરૂ થયેલી જ્ઞાન યાત્રામાં પુસ્તક પરબ પાસે વિવિધ વિષયોના ૩૦૦૦ ઉપરાંત પુસ્તકોનો ભંડાર ઉપલબદ્ધ થયો છે. દાતાઓ અને પુસ્તક રસિયાઓની સહાયથી આ ૩૦૦૦ પુસ્તકો એકઠા થયા છે જેનો લાભ ૧૦ વર્ષના બાળકથી લઈને ૮૦ વર્ષ સુધીના વડીલોને મળી રહ્યો છે. ૩૦થી ૪૦ વાંચકોથી શરૂ થઈને આજે લગભગ ૧૦૦૦ જેટલા નિયમિત વાંચકો આ જ્ઞાન સરિતામાં ડૂબકી લગાવી રહ્યા છે. પાછલા ૩ વર્ષથી દર મહિનાના પહેલા રવિવારે સરદારબાગમાં પુસ્તક પરબની જ્ઞાન સરવાણી અચૂકપણે વહે છે. અહીં અલગ અલગ પુસ્તકોનો પરિચય કરાવવામાં આવે છે જેથી વાંચકોને નવા નવા અને વિષયોની વૈવિધ્યતા ધરાવતા પુસ્તકો અંગે પરિચય મળતો રહે છે. ખાસ કરીને આર્થિક રીતે પછાત પણ જ્ઞાન પામવા માટે સમૃદ્ધ એવા બુદ્ધિમંત બાળકો-વિદ્યાર્થીઓ માટે અહીં ખાસ પ્રકારના પુસ્તકો ઉપલબદ્ધ બનાવાયા છે. રવિવારે 'પુસ્તક પરબ'ના ત્રણ વર્ષ પુરા થયાની ઉજવણીના ભાગ રૂપે બેના બદલે ત્રણ પુસ્તકો વાંચકોને આપવામાં આવ્યા હતા. જેનો ૬૫૦થી વધુ વાંચકોએ લાભ લીધો હતો. હવેથી એક બાળક પુસ્તક પરિચય અને એક વડીલ પુસ્તક પરિચય આપશે એવી વ્યવસ્થા ગોઠવી હોવાની જાહેરાતે ઉપસ્થિત ૧૨૦૦થી વધુ લોકોએ તાળીઓથી વધાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે આજના ઈન્ટરનેટના જમાનામાં બાળકો અને યુવાનો સારા પુસ્તકો અને ઉચ્ચ વાંચનથી જ્યારે વિમુખ થતા જાય છે ત્યારે મોરબીમાં ચાલતું પુસ્તક પરબ ખારા રણમાં એક મીઠી વીરડી સમુ કાર્ય કરી રહ્યું છે અને વધુને વધુ લોકો સારા વાંચનથી જ્ઞાન સમૃદ્ધ બને એવા પ્રયાસો અવિરત કરી રહ્યું છે.