વેગડવાવ રોડ પર ખેતરમાં દેશી દારૂની કોથળીઓ અને બાઇટિંગ સાથે યુવાનનો મૃતદેહ મળતા ચકચારહળવદ : હળવદ શહેરના વેગડવાવ રોડ પરના એક ખેતરમાં અંદાજે 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનનો જે જગ્યા પર થી મૃતદેહ મળી આવ્યો છે તેની આજુબાજુ દેશી દારૂની કોથળીઓ સાથે બાઈટીંગ પણ મળી આવ્યું હતું.હાલ મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઇ મૃતકના વાલી વારસો શોધવા તપાસ હાથ ધરી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ નસવાડી તાલુકાના હરીપુર ગામે રહેતા સુરેશભાઈ શંકરભાઈ ભીલ નામનો વ્યક્તિ ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો.જેથી પરિવારજનો પણ શોધખોળ કરી રહ્યા હતા તેવામાં હળવદ શહેરના વેગડવાવ રોડ પાસે બટુકભાઈ ઠાકોરના ખેતરની ઓરડીમાં કોઈ વ્યક્તિ સૂતો હોય જે તેઓને ધ્યાને આવતા તેઓ દ્વારા તપાસ કરાતા યુવાન મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું જેથી તેઓ દ્વારા પોલીસને જાણ કરી હતી અને મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક સુરેશભાઈનો મૃતદેહ જે જગ્યા પરથી મળી આવ્યો છે ત્યાં છ થી વધારે દારૂની ખાલી કોથળીઓ સાથે સાથે વેફર અને દ્રાક્ષ પણ મળી આવી હતી. બીજી તરફ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વ્યક્તિ સાંજના સમયે લથડીયા ખાતી હાલતમાં ખેતર બાજુ ગયો હોવાનું જણાવી રહ્યા છે. જેથી હવે જોવાનું એ રહ્યું કે આ યુવાનનું મોત દારૂ પીવાથી થયું છે કે પછી કોઈ અન્ય કારણ છે?