મોડી રાત્રે ફાયર બીગ્રેડની શોધખોળ દરમિયાન દલવાડી સર્કલ પાસેથી બાળકની લાશ મળતા નેપાળી પરિવારમાં અરેરાટી મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ચોકડી નજીક નેપાળી પરિવારનો અંદાજે ત્રણેક વર્ષનો બાળક ગઈકાલે બપોરે બારેક વાગ્યાના અરસામાં રમતા-રમતા કેનાલમાં ડૂબી ગયો હતો. કેનાલમાં ડૂબેલા બાળકને શોધખોળ કરવા માટે ફાયર બ્રિગેડ વિભાગે મોડી સાંજ સુધી અથાક પ્રયાસો કર્યા હતા. પણ બાળકનો પતો ન લાગતા મોડી રાત્રે ફરીથી કેનાલમાં શોધખોળ હાથ ધરાતા દલવાડી સર્કલ પાસેથી હતભાગી બાળકનો મૃતદેહ મળી આવતા નેપાળી પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. મોરબી રવાપર ચોકડી નજીક બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે કામ કરતા કમલભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષનો રોહિત નામનો પુત્ર ગઈકાલે બોપરે રમતા-રમતા કેનાલમાં ડૂબી ગયો હતો. આ સમયે સ્થાનિક લોકોની મદદથી બાળકને શોધવા પ્રયાસ કરાયો હતો પરંતુ સફળતા ન મળતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.જો કે કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી હાલમાં પાણી બંધ કરાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા રવાપર ચોકડીથી અવની ચોકડી તેમજ દલવાડી સર્કલ સુધી કેનાલના પાણીમાં આજે મોડી સાંજ સુધી શોધખોળ કરવા છતાં માસુમ બાળકનો પતો ન લાગતા મોડી રાત્રે ફરીથી શોધખોળ કરવામા આવી હતી અને ગઈરાત્રે 11 વાગ્યાની આસપાસ કેનાલમાં પાણી ઓસરી જતા ફાયર બ્રિગ્રેડની શોધખોળ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે દલાવડી સર્કલ પાસે કેનાલમાંથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી, હતભાગી બાળકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.