પોલીસે મૃત નવજાત શિશુને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં આવેલ મતવા ચોક પાસેથી આજે સવારે ત્યજી દેવાયેલું તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. હાલ આ મૃત નવજાત શિશુને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે. એ ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરીને સમગ્ર બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વજેપર વિસ્તારમાં આવેલા મતવા ચોક પાસે આજે સવારે તાજું જન્મેલું અને ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું હતું. આ વિસ્તારના લોકોએ તાજું જન્મેલું બાળક જાહેરમાં ત્યજી દેવાયેલી હાલતમાં જોતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને એ ડિવિજન પોલીસને આ બનાવની જાણ કરી હતી. આથી, 108નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને નવજાત શિશુને સિવિલ હોસ્પિટલમાં ખસેડયું હતું. જ્યાં ફરજ પરના ડોક્ટરે આ નવજાત શિશુને મૃત હોવાનું જાહેર કર્યું હતું. આથી, પોલીસે આ મૃત બાળકનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ બનાવની મોરબી એ ડિવિજનના પોલીસ જમાદાર નારણભાઈ છૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.