ફાયર વિભાગની ટીમે સતત શોધખોળ કરી યુવાનની લાશ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી મોરબી : મોરબીના જુના ધુટું રોડ ઉપર પસાર થતી કાલીન્દ્રિ નદીમાં બે દિવસ પહેલા શ્રમિક યુવાન નાહવા પડ્યા બાદ ડૂબી ગયો હતો.બાદમાં મોરબી ફાયર વિભાગે નદીમાં ડૂબેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી.પણ ફાયર વિભાગની 36 કલાકની જહેમતના અંતે યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ બનાવની મોરબીના ફાયર બ્રિગ્રેડ વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના જુના ધુંટું રોડ ઉપર સિમ્પોલો સીરામીકની બાજુમાં આવેલ આકૃતિ સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતો મૂળ.મધ્યપ્રદેશનો વતની અવધેશ કુમાર ઉ.વ.24 નામનો શ્રમિક યુવાન ગુરુવારે જુના ઘુંટું રોડ ઉપર તેમના કારખાના નજીક નીકળતી કાલીન્દ્રિ નદીમાં નહાવા પડ્યો હતો અને નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.નદીમાં નહાવા પડતી વખતે એક યુવાન ડૂબી ગયો હોવાથી જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગ્રેડ વિભાગના ડી.ડી.જાડેજા, વિનયભાઈ ભટ્ટ, કાર્તિકભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ ડાભી, વિજયભાઈ ડાભી, રતિલાલ અને દિનેશભાઇ પંડ્યા સાહિતનાએ નદીમાં ડૂબેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ નદીમાં ઉપરથી સતત પાણી આવતું હોવાના કારણે યુવાનની શોધખોળમાં મુશ્કેલી ઉભી થઇ હતી.આમ છતાં ફાયર વિભાગે સતત શોધખોળ ચાલુ રાખતા આજે 36 કલાકે યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો.બાદમાં યુવાનની ડેડબોડીને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.