હત્યા થઈ છે કે અન્ય કારણસર મૃત્યુ નીપજ્યું તે જાણવા મૃતદેહનું રાજકોટ ફોરેન્સિક પીએમ મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર જયદીપ પાઉંભાજીવાળી શેરીમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સનું શટર ઉચકાવતા મળી આવેલ લાશ બે દિવસથી ઘરેથી લાપતા બનેલ મોરબીના જ વણિક યુવાનની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મોરબી શહેરના ભરચકક વિસ્તારમાં શનાળા રોડ ઉપર રામચોક વિસ્તારમાં જયદીપ પાઉંભાજીવાળી શેરીમાં અંજની કુરિયરની બાજુમાં આવેલ એયું શોપિંગ કોમ્પ્લેક્સમાં આજે સવારે ઉપરના માળે જવાનું શટર ખોલતા જ એક પુરુષની લાશ ગબડીને નીચે આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. ગઈકાલે રવિવાર હોવાથી આ કોમર્શિયલ બિલ્ડીંગ દિવસભર બંધ રહ્યું હતું અને શનિવારે પણ બપોરે જ બિલ્ડીંગ બંધ થયું હોવાથી આ બનાવ શનિવારે બપોર બાદ બન્યો હોવાનું અનુમાન પ્રાથમિક તબક્કે લગાવાઈ રહ્યું છે. બીજી તરફ એ ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન શનિભાઈ અનંતભાઈ શાહ (ઉ.વ.34, રહે. વાઘપરા, શેરી નબર-2, મોરબી) હોવાની ઓળખ મળી હતી. તેમજ મૃતક યુવાન છેલ્લા કેટલાક દિવસથી માનસિક રીતે બીમાર હતો અને તે છેલ્લા બે દિવસથી પણ લાપતા હતો અને ઘરેથી બે દિવસ પહેલા નીકળી ગયા બાદ આજે તેની ભેદી રીતે લાશ મળી આવતા મોતના કારણ અંગે રહસ્ય સર્જાયું છે. પોલીસે હાલના તબક્કે યુવાનના મોતનું કારણ જાણવા લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલવામાં આવી છે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આ ઘટના હત્યાની છે કે કેમ તે અંગેની હકીકત બહાર આવશે. પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે પણ ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હોવાનું જાણવા મળે છે.