છેલ્લા ૧૪ વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ વ્યક્તિઓના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગ કરાયું : પ્રભાતધૂન, અન્નકુટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયામોરબી : સંત સિરોમણી પૂ.જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિની મોરબીના શ્રી જલારામ ધામ ખાતે ભાવભેર ઉજવવામાં આવી રહી છે. જેમાં આજે સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન તેમજ બપોરે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબીના શ્રી જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજ ની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો, પાંચમા વર્ષે શહીદ પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયારમા વર્ષે ફાયર બ્રિગેડના જવાનો, બારમા વર્ષે હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ, તેરમા વર્ષે પીજીવીસીએલના વાયરમેન, ગત વર્ષે એસ.ટી. વિભાગના મહિલા કંડકટરના વરદ્ હસ્તે કેક કટીંગ કરવામા આવ્યુ હતુ. ત્યારે આજે આરોગ્ય ક્ષેત્રે હંમેશા સક્રિય ફરજ બજાવતા એવા નર્સિંગ સ્ટાફના બહેનોને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવી છે. આ વેળાએ લોહાણા જ્ઞાતિના અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.