ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી મોરબી : ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિની મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આસ્થા સાથે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મોરબીમાં ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સવારે પરશુરામ મંદિર ખાતે હોમ હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સાંજે 4 વાગ્યે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર વાઘપરા ખાતેથી ભગવાન પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ગાયત્રી મંદિર વાઘપરા ખાતેથી નીકળી રવાપર ચોકડી, રામચોક, ગાંધીચોક, શાક માર્કેટ, નહેરુ ગેઇટ ચોક, ત્રિકોણ બાગ સ્ટેશન રોડથી નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પહોંચી હતી. આ શોભાયાત્રા મોટી સંખ્યામાં ભૂદેવોએ જોડાયને ડીજેના તાલ ઉપર ઝૂમીને પરશુરામ દાદાનો જન્મોત્સવ હર્ષભેર મનાવ્યો હતો. બાદમાં પરશુરામ ધામ ખાતે મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. જેનો મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.