મોરબી કંડલા બાયપાસ ઉપર જેપી ફાર્મ હાઉસ નજીક બનેલો બનાવ મોરબી : મોરબી કંડલા બાયપાસ ઉપર જેપી ફાર્મ હાઉસ પાસે ભણેજનો મામેરાનો પ્રસંગ પતાવી પરત ફરી રહેલા મોરબીના દંપતીને બાઈક ચાલકે હડફેટે લેતા ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાઘપરામાં રહેતા લવજીભાઈ તથા તેમના પત્ની દીપનાબેન ગત તા.21ના રોજ તેમના ભાણેજનો મામેરાનો પ્રસંગ પતાવી મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર પગપાળા જઈ રહ્યા હતા ત્યારે જેપી ફાર્મ હાઉસ નજીક મોટર સાયકલ નંબર GJ-36-N-9142ના ચાલક દીલીપભાઈ હસમુખભાઈ બાવરવાએ બન્નેને હડફેટે લઇ ઇજાઓ પહોંચાડતા બન્નેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વધુમાં આ અકસ્માતના બનાવ અંગે ભોગ બનનાર લવજીભાઈના નાના ભાઈ મનસુખભાઈ હિરાભાઈ ઉભડીયાએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.