મોરબીના સામાંકાંઠે વિશાલ ફર્નિચર પાછળ થયેલી મારામારી મામલે સામસામી ફરિયાદ મોરબી : મોરબીના સામાંકાંઠે વિશાલ ફર્નિચર પાછળ શેરીમાં બાઈક ધીમું ચલાવવાના ઝઘડાનું સામાધાન કરવા મામલે બે જુથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને જૂથના લોકો આમને સામને આવીને એકબીજા ઉપર તૂટી પડ્યા હતા અને ટ્રાન્સપોર્ટ ઓફીસમાં તોડફોડ કરી હતી. આ બનાવ મામલે સામસામી ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨માં આવેલ વિશાલ ફર્નીચરની પાછળની લક્ષ્મી સોસાયટીમાં રહેતા પરબતભાઇ વીશાભાઇ ડાભીએ આરોપીઓ કુર્નેશભાઇ સુરેશભાઇ ઝાપડા, સંજયભાઇ ભુપતભાઇ બાંભવા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૮ ના રોજ વિશાલ ફર્નિચર પાછળ લક્ષ્મી સોસાયટીમાં એક આરોપીને સાહેદ રવિ વશરામભાઇએ મોટર સાઇકલ ફુલ સ્પીડમા શેરીમા નહી ચલાવવાનુ કીધેલ હોય તે બાબતે ઉશ્કેરાઇ જઇ ફરીયાદીના ભત્રીજા અમીતભાઇની ટ્રાંસપોર્ટની ઓફીસે બુલેટ મોટર સાઇકલમા આવી કુર્નેશે ધોકાથી ઓફીસમા તોડફોડ કરી ફરીયાદીને આરોપી કુર્નેશે ધોકા વડે જમણા પગના પંજામા મુંઢ માર મારી તેમજ આરોપી સંજયે ફરીયાદીને પકડી ઓફિસની દિવાલમા માંથુ ભટકાડી ગાળો આપી ઓફિસમા દરવાજાના કાચ તોડી નાખી નુકશાન કર્યું હતું. સામાપક્ષે કુર્નેશભાઇ સુરેશભાઇ ઝાપડા(ઉ.વ.૨૦ ધંધો. ચાની દુકાન રહે.મોરબી-૨ વિશાલ ફર્નિચર પાછળ લક્ષ્મી સોસાયટી) એ આરોપીઓ વસાભાઇ ડાભી, અમીતભાઇ વસાભાઇ ડાભી, રવી વસાભાઇ ડાભી, પરબતભાઇ ડાભી, કુલદીપભાઇ ડાભી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓને ફરીયાદી સાથે મોટર સાયકલ ચલાવવા બાબતે થયેલ બોલાચાલીના સમાધાન કરવા બોલાવી આરોપીઓએ બેફામ ગાળો આપી લાકડી વડે ફરીયાદી તથા સાહેદને માર મારેલ હોય તેમજ ફરીયાદી તથા સાહેદને પકડી રાખી આરોપીઓએ હાથમાં રહેલ કળુ સાહેદ સંજયને મારી દિધેલ હોય અને આરોપીઓએ પેન્ટના નેફામાં છરી રાખી આરોપીઓએ ફરીયાદી તથા સાહદને માર મારી મારી નાખવાની ધમકી આપી લાકડી તથા કળુ ફરીયાદી તથા સાહેદને મારતા ફરીયાદીને શરીરે મુંઢ માર લાગેલ તેમજ સાહેદને જમણી આંખ ઉપર તથા માથાના ભાગે ટાંકા જેવી ઇજાઓ પહોંચાડી હતી. બી ડિવિઝન પોલીસે આ બનાવની સામસામી ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.