આજે ગીતા જયંતી : સમસ્યાઓના સમાધાન સમાન શ્રીમદ્ ભગવદ્ ગીતા માનવજાત માટે આશીર્વાદ સમાન ગુજરાતી પંચાંગ પ્રમાણે માગશર મહિનાના સુદ પક્ષની એકાદશી ગીતા જયંતી તરીકે ઉજવાય છે. આજની તિથિએ શ્રીકૃષ્ણએ અર્જુનને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ વર્ષે આજે 14 ડિસેમ્બરના રોજ ગીતા જયંતી છે. દ્વાપર યુગમાં કુરુક્ષેત્રની ધર્મભૂમિ પર મહાભારતના યુદ્ધના પ્રારંભે અર્જુનના વિષાદને દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી જે જ્ઞાન વહેતું થયું તે જ શ્રીમદ્ ભગવદ્ ગીતા. માત્ર અર્જુને જ નહીં, બર્બરીક, હનુમાનજી અને સંજયે પણ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી ગીતાનો ઉપદેશ સાંભળ્યો હતો. ઈ.સ. પૂર્વે હજારો વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુદ્ધ કરવા યુદ્ધના મેદાનમાં કહી અને એ ઉપદેશ મહાન ધર્મગ્રંથ બની ગયો એ બાબત સમગ્ર વિશ્વના બધા ધર્મગ્રંથોમાં અનન્ય અને અજોડ બાબત છે. સમગ્ર ભગવદ્ ગીતામાં હિંદુ શબ્દ એક પણ વખત આવતો નથી, તે સાબિત કરે છે કે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે. એટલે જ તેનો અનુવાદ વિશ્વની લગભગ મોટા ભાગની ભાષાઓમાં થયેલું છે. મહર્ષિ વેદવ્યાસ રચિત ભારતીય સંસ્કૃતિના જ્ઞાનકોશ સમાન મહાભારતમાં કુલ 18 પર્વ છે. તેના છઠ્ઠા પર્વમાં એટલે કે ભીષ્મ પર્વમાં 25થી 42 સુધીના 18 અધ્યાય ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ તરીકે ઓળખવામાં આવે છે. ભગવદ્દ ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે. ભગવદ્દ ગીતામાં થોડા શ્લોકો સિવાય તમામ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. ભગવદ્દ ગીતામાં શ્રીકૃષ્ણએ 574 શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે, જ્યારે અર્જુને 85 શ્લોક દ્વારા પોતાની શંકા અને પ્રશ્નો પ્રગટ કર્યા છે. તો વળી 41 શ્લોકો એવા પણ છે જેમાં સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ છે. ભગવાન કૃષ્ણની શ્રીમુખેથી કહેવાયેલી સંસ્કૃતિના આધાર અને જીવનના સારરૂપી શ્રીમદ્ ભગવદ્ ગીતા માનવજાત માટે આશીર્વાદ સમાન છે. ભગવદ્દ ગીતામાં જીવનની ફીલસુફીને અનોખી શૈલીમાં વર્ણવાયેલી છે. આથી જ શ્રીકૃષ્ણને જગદ્ગુરુ પણ કહેવામાં આવે છે. શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના ઉપદેશોને આત્મસાત કરવાથી જીવનમાં સફળતાનો માર્ગ મળે છે અને બધી શંકાઓનો નાશ થાય છે. ભગવદ્દ ગીતાના વાંચન અને ચિંતનથી યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત થાય છે. શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં જીવનની તમામ પરેશાનીઓનો ઉકેલ મળી આવેલ છે. એટલે જ શ્રીમદ્દ ભગવદ્દ ગીતા વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની જયંતી ઉજવાય છે! મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..