કેન્દ્રીય મંત્રીએ જાહેર નિવેદનમાં મોરબીના સિરામિક ઉદ્યોગના કર્યા વખાણ મોરબી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને આપેલા એક નિવેદનમાં દેશવાસીઓને આત્મનિર્ભર બનવા અપિલ કરી હતી. સાથોસાથ તેઓએ આત્મ નિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ મોરબીનો સિરામિક ઉદ્યોગ હોવાનું પણ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં આત્મનિર્ભર બનવા ઉપર વિશેષ ભાર મુક્યો હતો. જે સંદર્ભે આજ રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક ન્યુઝ ચેનલમાં પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આત્મનિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ મોરબીનો સિરામિક ઉદ્યોગ છે. એક સમયે આ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. ભારત દેશમાં પણ મોરબીની ટાઇલ્સ આવવા લાગી હતી. પરંતુ સિરામિક ઉદ્યોગકારોએ હાર ન માનીને મશીનરીનું આધુનિકીકરણ કરી અને માત્ર દેશ જ નહિ વિશ્વના અનેક દેશોને સિરામિક ક્ષેત્રે પોતાના આધીન બનાવી દીધા છે. વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે જ્યારે વાત મશીનરીની આવે ત્યારે સ્વદેશી શબ્દને ચોટીને રહેવું યોગ્ય નથી. આધુનિક મશીનરીનો વપરાશ જરૂરી છે. આધુનિકીકરણ કરીને પ્રોડક્ટના ફેલાવા થકી આત્મનિર્ભર બની શકાય છે.