મોરબી: ગત વર્ષે ચોમાસા દરમ્યાન મોરબી શહેરે જળમગ્ન શહેરની હાલત જોઈ, અનુભવી છે. ચોમાસામાં એક સાથે બે-ત્રણ ઇંચ વરસાદે મોરબી શહેરમાં પાણી ભરાવવાની સમસ્યા ઘણાં વર્ષોથી થતી ઉદભવે છે. ત્યારે હાલ વગર વરસાદે અવની ચોકડીએ પાણી ભરાતા લોકોમાં આશ્ચર્ય સાથે ભાવિ ચોમાસાને લઈને મનમાં ધ્રાસકો પડ્યો છે. અવની ચોકડીએ હાલ જળ જમાવની સ્થિતિ વચ્ચે રાહદારીઓ અને વાહનચાલકો ભારે અગવડતા વેઠી રહ્યાં છે. પાલિકાની નવી બનેલી બોડી તથા પાલિકા પ્રમુખે હજુ બે દિવસ પહેલા જ પ્રિમોન્સૂન કામગીરીની પૂર્વ તૈયારી માટેનો રોડ મેપ જાહેર કર્યો હતો. જેમાં શહેરના તમામ વિસ્તારોમાં ક્યાંથી લઈને ક્યાં સુધી કેવા પ્રકારની સફાઈ કામગીરી થશે તેની વિગતો, કયા નાલા-વોકળા અને અન્ડરગ્રાઉન્ડ ગટરની સફાઈ ચોમાસા પૂર્વે કરવાની છે તેની વિગતો જાહેર કરી હતી. આ માટે કામના ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા ટૂંક સમયમાં આરંભાશે એવો દાવો પણ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ અવની ચોકડીએ ભરાયેલા પાણી નિકાલની અને ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય એ માટેની ત્વરિત કામગીરીની મોરબીવાસીઓને હાલ તો દરકાર છે.