અર્વાચીન રાસોત્સવની ઝાકમઝોળ વચ્ચે પણ શનાળા ગામે પ્રાચીન ગરબી જાળવી રાખીપ્રાચીન ગરબીમાં બાળાઓ અને મહિલાઓ રમે છે પ્રાચીન ગરબાના તાલે રાસમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં 500થી પણ વધુ અર્વાચીન-પ્રાચીન ગરબાના આયોજન થાય છે જેમાં શકત શનાળા ગામે યોજાતી ગરબીમાં આજે પણ ઐતિહાસિક વારસો જાળવી રાખ્યો છે. ગામનું તોરણ બંધાયું ત્યારથી એટલે કે, વિક્રમ સંવત 1702થી અહીં નવરાત્રીમાં ગરબીનું આયોજન થાય છે અને 379 વર્ષ બાદ આજે પણ ત્રણ સદી કરતા વધુ જૂની માતાજીની ગરબી બદલવામાં આવી નથી. આ પ્રાચીન ગરબીમાં બાળાઓ અને મહિલાઓ પ્રાચીન ગરબા ગાઈને રાસ રમે છે.મોરબીના પ્રવેશદ્વારે આવેલ માં શક્તિના ધામ એવા શકત શનાળા ગામની સ્થાપના વિક્રમ સવંત 1702માં બનેસિંહએ કરી હતી. ગામનું તોરણ બંધાયું ત્યારથી અહીં નવરાત્રી દરમિયાન માં શક્તિની આરાધના કરવામાં આવે છે જેમાં માતાજીના મંદિરે કળશ સ્થાપના સાથે ઝવેરા રાખી માતાજીની આરાધના સાથે ગામમાં 379 વર્ષ જેટલા સમયથી પ્રાચીન ગરબી યોજવામાં આવે છે જેમાં નાની નાની બાળાઓ અને ગામના મહિલાઓ પ્રાચીન ગરબા ગાઈને ગરબા રમે છે.અર્વાચીન યુગમાં પણ શકત શનાળા ગામની ગરબીને આધુનિકતા સ્પર્શી શકી નથી.ગરબી મંડળના આયોજકના જણાવ્યા મુજબ અંદાજે 379 વર્ષથી યોજાતી આ ગરબીમાં માતાજીની ગરબી પણ આટલા વર્ષ બાદ બદલાવવામાં આવી નથી. લાકડામાંથી બનેલી ગરબી આજે પણ સચવાયેલી છે. દર વર્ષે માતાજીની ગરીબીને સિંદૂર કરવામાં આવે છે. સાથે જ માતાજીના મઢમાં ઝવેરા રાખીને વર્ષોથી પ્રાચીન પરંપરા જાળવી રાખવામાં આવી છે.આ પ્રાચીન ગરબીમાં માતાજીના ગરબા અને પ્રાચીન રાસ જ રમવામાં આવે છે. રાત્રીના બાળાઓના રાસ પૂર્ણ થયે અહીં પુરુષો પણ રાસ રમે છે જેમાં માત્ર ત્રણ તાલીના ઢાળ સાથે ગરબા રમવામાં આવતા હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.ગરબીમાં રમાઈ છે ટિપ્પણી અને તલવાર રાસઆજના આધુનિક સમયમાં પ્રાચીન ગરબીઓને પણ આધુનિકતાનો રંગ લાગ્યો છે અને જુનવાણી ખંજરી રાસ, વાટકી રાસ જેવા રાસ લુપ્ત થયા છે ત્યારે શકત શનાળા ગામે યોજાતી પ્રાચીન ગરબીમાં વાટકી રાસ, બેડા રાસ, તાલિ રાસ, ખંજરી રાસ, અંગારા રાસ, દીવડા રાસ, નવદુર્ગા રાસ, તલવાર રાસ અને ટીપ્પણી રાસ જીવંત રાખવામાં આવ્યા છે.