20 દિવસમાં નિયમ મુજબ દબાણો હટાવી કામ નહીં થાય તો હાઈકોર્ટમાં જવાની અને આંદોલનની સ્થાનિક રહેવાસીઓની ચીમકીમોરબી: મોરબીમાં નાની કેનાલ રોડને 'આઇકોનિક રોડ' તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ અને દબાણકારોને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાનિક કોર્પોરેટર અને પાલિકાના અધિકારીઓને સ્થળ પર બોલાવીને ઉગ્ર રજૂઆત કરી હતી અને રોડનું કામ સદંતર બંધ કરાવી દીધું છે.સ્થાનિકોએ જાતે જ દબાણો દૂર કરી તંત્રને સાથ આપ્યો હતોસ્થાનિક રહેવાસી મુકેશભાઈ સોઢિયાએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ મોરબીનો પ્રથમ આઇકોનિક રોડ બની રહ્યો છે, જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ હતો. શરૂઆતમાં સ્થાનિકોએ નગરપાલિકાને લેખિતમાં ખાતરી આપી હતી કે તેઓ તંત્રની સાથે છે. એટલું જ નહીં, નગરપાલિકાના સ્ટાફ કે પોલીસને કોઈ તકલીફ ન પડે અને પાલિકા પર આર્થિક કે અન્ય કોઈ બોજ ન આવે તે માટે લોકોએ જાતે જ સ્વયંભૂ પોતાના દબાણો દૂર કરી દીધા હતા. પરંતુ હવે તંત્ર દ્વારા જ યોગ્ય કામગીરી ન કરી અન્યાય કરવામાં આવી રહ્યો છે.20 મીટરની જગ્યાએ 18 મીટરનો રોડ અને 2 મીટરનું દબાણ યથાવતસિંચાઈ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને આ રોડ માટે 20 મીટર જગ્યા સંપાદિત કરીને આપવામાં આવી છે. જે ટેન્ડર પાસ થયું છે તે મુજબ 7-7 મીટરના બે રોડ, 2 મીટરનું ડિવાઇડર અને બંને બાજુ 2-2 મીટરની ફૂટપાથ બનાવવાનું આયોજન હતું. આ ફૂટપાથ પર સિનિયર સિટીઝન માટે વૉકિંગ સ્ટ્રીટ અને બાળકો માટે સાયકલિંગ ટ્રેક બનવાના સપના સ્થાનિકોએ જોયા હતા. પરંતુ હાલમાં 20 મીટરના બદલે રોડને માત્ર 18 મીટરનો જ કરવામાં આવી રહ્યો છે અને બાજુઓ પર 2 મીટર જેટલું દબાણ યથાવત રાખી દેવાયું છે.અધિકારીઓની મિલીભગત અને છાવરવાની નીતિસ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે, પ્રોપર ડિમોલિશન કરવાને બદલે માત્ર વચ્ચેથી જ રસ્તો સાફ કરાયો છે. સરકારી જમીન પર થયેલા દબાણો અને 9 ઇંચની પાકી દીવાલો હટાવવામાં આવી નથી. કેટલાક માનીતા લોકોના દબાણો હટાવવામાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ ઉપરાંત, રોડની વચ્ચે આવતા વીજળીના થાંભલા કે લાઈન હટાવ્યા વગર જ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે, જે અધિકારીઓની સ્પષ્ટ મિલીભગત દર્શાવે છે.મેયરના આશ્વાસનથી અસંતોષ, 20 દિવસનું અલ્ટીમેટમ અને આંદોલનની ચીમકીરજૂઆતને પગલે સ્થળ પર દોડી આવેલા મેયર અને અધિકારીઓએ માત્ર 'જોઈ લઈશું, કાગળો તપાસી લઈશું, કરી લઈશું' તેવો ગોળગોળ જવાબ આપીને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી સ્થાનિકોને જરા પણ સંતોષ થયો નથી. રોષે ભરાયેલા લોકોએ આંદોલનની ચીમકી સાથે તંત્રને 20 દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. તેમની સ્પષ્ટ માંગ છે કે 20 દિવસમાં કામ બંધ રાખી, પ્રોપર ડિમોલિશન કરી, નકશા મુજબ પૂરેપૂરો 20 મીટરનો રોડ બનાવવામાં આવે. જો આમ નહીં થાય તો સ્થાનિકો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiUpdate #IconicRoad #MorbiNews #PublicProtest #RoadConstruction #MorbiNagarpalika