મોરબી: મોરબી નજીક નવા ધરમપુર ગામ પાસે આજથી બે વર્ષ અગાઉ એક યુવાનની હત્યા કરી નાસી છૂટેલા આરોપીને મોરબી તાલુકા પોલીસે રાજકોટથી દબોચી લીધો છે. આ ગુન્હામાં સામેલ અન્ય શખ્સને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના નવા ધરમપુર ગામે રહેતા 27 વર્ષીય ભાવેશ મંગાભાઈ રાવા નામના અપરણિત યુવાનની બોથડ પદાર્થ મારીને ૧૫/૧૧/૨૦૧૮ના રોજ હત્યા કરવામાં આવી હતી. જે બનાવવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે તપાસ કરતી મોરબી તાલુકા પોલીસની ટીમે 35 વર્ષીય દિલાવર કરીમભાઈ ચાવડા રહે. મૂળ શક્તિનગર વાંકાનેર હાલ રહે. રાજકોટના પારેવડીચોક પાસે, ગણેશનગર શેરી નંબર 3 વાળાની ધરપકડ કરેલ છે. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ આરોપી દિલાવર સંધિની પત્ની સાથે મૃતક ભાવેશ મંગાભાઈને આડા સંબંધો હતા. જે બાબતનો ખાર રાખીને દિલાવર સંધિએ પવન કુમાર વૈયા નામના શખ્સ સાથે મળીને ભાવેશની હત્યા કરી હતી. આ બનાવમાં હાલમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય એક આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ હોવાનું હાલમાં જાણવા મળે છે. બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. જાડેજા ચલાવી રહ્યા છે.