ગત ઓગસ્ટ-2021 માં હળવદના ચાડધ્રા ગામે રેતી ચોરી કરી ખાણ ખનીજ વિભાગના અંકુરભાઇ જગદીશભાઇ ભાદરકાને આપી હતી ધમકી હળવદ : ઘુડખર અભ્યારણ હોવા છતાં હળવદ પંથકમાં રીતસર આંતક મચાવી રેતમાફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે અને ચોરી ઉપર સે સીનાજોરી જેવા ઘાટ વચ્ચે ગઈકાલે રેતમાફિયાઓએ ગત ઓગસ્ટ-2021માં ખાણ ખનીજ અધિકારીને જાનથી પતાવી દેવા ધમકી આપી ડમ્પર ભગાડી નાસી જવા પ્રકરણમાં તેર મહિના બાદ એલસીબી ટીમે નાસતા ફરતા એક આરોપીને પીપળીયા ચાર રસ્તા નજીકથી ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેતીચોરો માટે સ્વર્ગ સમાન હળવદ પંથકમાં રેતીની લિઝ મંજુર કરાતી ન હોવા છતાં રેત માફિયાઓ દ્વારા દિવસ રાત રેતીચોરી કરાતી હોય ખાણખનિજ વિભાગ દ્વારા સિક્યુરિટી ગાર્ડ બેસાડવામાં આવ્યા હતા પરંતુ આમ છતાં ચાડધ્રા ગામે રેતી ચોરી કરવામાં આવતી હોય ખાણ ખનીજ વિભાગના કર્મચારી અંકુરભાઇ જગદીશભાઇ ભાદરકા દ્વારા રેતી ચોરી અટકાવાતા રેતમાફિયાઓએ રેતી ભરેલા ડમ્પર ભગાડી મૂકી ખનીજ વિભાગના કર્મચારીને જાનથી પતાવી દેવા ધમકી આપી હતી.જેને પગલે ખાણખનીજ કર્મચારી અંકુરભાઈ ભાદરકાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી (૧) ભરતભાઇ મેર રહે. રાજકોટ (ર) ડંમ્પર નં.જીજે.25.યુ.7728 જેના ડ્રાઇવર મુકેશભાઇ નરભુ વાખડા રે.ગૌરીદળ, રાજકોટ (૩) ડંમ્પર નં.જીજે.25.યુ.9001 જેના ડ્રાઇવર રાજુભાઇ મંગેલીયા બબેરીયા રે.ગૌરીદળ, રાજકોટ અને (૪) એક અજાણ્યો ઇસમ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવી અને સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ કરી જાનથી મારી નાખવા અંગે ધમકી આપવા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધ્યો હતો. આ ગંભીર બનાવના 13 મહિનાના લાંબા સમયગાળા બાદ મોરબી એલસીબી ટીમે પીપળીયા ચાર રસ્તા નજીકથી નાસતા ફરતા મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં રાજકોટના ગૌરીદળ નજીક ઝૂંપડામાં રહેતા આરોપી રાજુભાઇ મંગેલીયા બબેરીયાને ઝડપી લઈ હળવદ પોલીસ મથકે સોંપી આપ્યો હતો.આ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠલ પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કણોતરા અને દશરથસિંહ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.