કેન્દ્રીય મંત્રી રૂપાલા અને અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઇ વરમોરાની હાજરીમાં 36 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યાધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના ઉમા સંકુલ ખાતે સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા 28મા સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિના 36 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા પાટીદાર ભામાશા ગોવિંદભાઇ વરમોરાએ જણાવ્યું હતું કે, છેલ્લા 28 વર્ષથી ધ્રાંગધ્રા તાલુકા કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ 28 જાન્યુઆરીને રવિવારના શુભ દિને ધ્રાંગધ્રા સ્થિત ઉમા સંકુલ ખાતે 36 નવયુગલોનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના પ્રમુખ ગણેશબાપા, ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ, સુરેન્દ્રનગર જિલ્લાના પાટીદાર સમાજના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ હાજરી આપી હતી અને 36 નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.