500થી વધુ આહિર કર્મચારી પરિવારોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને દિપાવ્યોમોરબી : મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ, મોરબી દ્વારા રામધન આશ્રમ ખાતે પરંપરાગત રીતે આયોજિત 16મો વાર્ષિક સામાજિક સ્નેહમિલન કાર્યક્રમ આ વર્ષે પણ સમાજભાવ, એકતા અને સહકારની ઉમંગભેર ઉજવણી સાથે ભવ્ય રીતે સંપન્ન થયો હતો. દર વર્ષની જેમ જાન્યુઆરી માસના પ્રથમ રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં 500થી વધુ આહિર કર્મચારી પરિવારોએ ઉત્સાહપૂર્વક હાજરી નોંધાવી હતી. જેના કારણે સમગ્ર આશ્રમ પ્રાંગણ આનંદમય અને ઉત્સવમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાવર્ગ તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખાસ કરીને બાળકો માટે વિવિધ રમત-ગમત, મનોરંજક અને સર્જનાત્મક એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લીધો. સ્પર્ધાઓમાં વિજેતા થયેલા તેમજ ભાગ લેનાર તમામ બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેથી બાળકોમાં સ્પર્ધાત્મક ભાવના સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનો વિકાસ થયો.આ પ્રસંગે સમાજના આગેવાનો સાથે આજીવન દાતાઓ અને દાતાશ્રીઓએ ઉદાર હસ્તે આર્થિક ફાળો આપી કાર્યક્રમને વધુ સુવ્યવસ્થિત અને ભવ્ય બનાવ્યો. સમગ્ર આયોજન દરમિયાન સમાજભાવ, એકતા અને પરસ્પર સહકારનું ઉત્તમ દ્રશ્ય જોવા મળ્યું. કાર્યક્રમ અંતે તમામ પરિવારજનો માટે સ્નેહભોજન સમારંભ યોજાયો, જેમાં સૌએ એકસાથે ભોજન લઈને આત્મીયતા અને બંધુભાવનો અનુભવ કર્યો.કાર્યક્રમની શુભ શરૂઆત દીપમાળા પ્રગટાવી કરવામાં આવી હતી. આ અવસરે શ્રી રામબાઈ જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજ તેમજ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિકતા અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બન્યો હતો.સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્થિક સહયોગ આપનાર દાતાઓમાં ચંદુભાઈ ઉગાભાઈ હુંબલ (આજીવન દાતા), જીવણભાઈ સાધાભાઈ ડાંગર (આજીવન દાતા), અરવિંદભાઈ રવાભાઈ બોરીચા (આજીવન દાતા), નારણભાઈ સવજીભાઈ બાલાસરા (આજીવન દાતા), ભાનુભાઈ પરબતભાઈ ડાંગર (આજીવન દાતા), ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા (આજીવન દાતા), રવિભાઈ જેસંગભાઈ હુંબલ, સુભાષભાઈ લક્ષ્મણભાઈ જીલરિયા, દિનેશભાઈ ભલુભાઈ મિયાત્રા, જીજ્ઞેશભાઈ પ્રભાતભાઈ ડાંગર, કાનાભાઈ રામભાઈ ચાવડા તથા પ્રભાતભાઈ વાલાભાઈ અવાડિયાનો સમાવેશ થાય છે.આ સમગ્ર આયોજનમાં માર્ગદર્શન અને સહયોગ આપનાર મંત્રી મયુરભાઈ એમ. ગજીયા તથા મંડળના પ્રમુખ દિનેશભાઈ આર. હુંબલની આગેવાનીમાં આયોજકો, કાર્યકરો અને સ્વયંસેવકોના અથાક પ્રયત્નોથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને સમાજમાં એકતા, સંસ્કાર તથા સહકારની ભાવનાને વધુ મજબૂત બની હતી. આ કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું.