મોરબી : મોરબીમાં તા. 25ના રોજ ABCGMY મોરબીના ઉપક્રમે ચારણ ભક્ત કવિવર પદ્મશ્રી કવિકાગ ભગત બાપુની 118મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ - મોરબી ડાયલ, કામધેનું પાર્ટીપ્લોટ સામે સંપૂર્ણ ગરિમા સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દાદુભાઈ રોહડિયા (પૂર્વ સેલટેક્સ ઓફિસર), ડૉ. ભાવેશ જેતપરીયા-પ્રોફેસર, પ્રભાતદાન કે. બારહટ (પૂર્વ GAS), હંસરાજભાઈ ગામી-સ્વરાંગન સ્ટુડિયો, રતનદાનજી બારહટ (પૂર્વ GAS), એમ. જી. મારુતિ (પૂર્વ પ્રોફેસર), લાભુભા રતન (સાહિત્યકાર), જાલુભા ગઢવી (ઉપાધ્યક્ષ ABCGMY) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી કવિ કાગને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. અતિથિ વિશેષ ડૉ. ભાવેશ જેતપરીયાએ કવિ કાગના જીવન-કવન વિશે વિસ્તૃત ચર્ચા કરી. ચારણી પરંપરા, સંસ્કાર, ભક્તિ વડે કવિ કાગનું સિંચન થયું. તેથી, ભગત બાપુનું વ્યક્તિત્વ ખિલ્યુ અને સાહિત્યના ઋષિ કવિ તરીકે પ્રસ્થાપિત થયા હતા. સાહિત્યકાર લાભુભા રતને કવિ કાગની રચનાઓને ચારણીશૈલીમાં આસ્વાદ કરાવી, મંત્રમુગ્ધ કર્યા. ઈશરદાસજી તથા માં સોનલના બગીચાનું સુગંધિત ફુલ એટલે કવિ કાગ...જેમાં કાયમ ચારણત્વની ફોરમ મહેકશે તેવું જણાવ્યું હતું. પ્રભાતદાન બારહટએ આ તકે જણાવ્યું કે કવિ કાગની કવિતાઓ લોકસાહિત્ય અને શિષ્ટ-સાહિત્યનો કલાત્મક સમન્વય છે. રામાયણ-મહાભારતના પ્રસંગોનો ઉલ્લેખ કરી કવિ કાગની સર્જન પ્રતિભાની ચર્ચા કરી હતી. ABCGMY ના અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવીએ કવિ કાગના જીવન પ્રસંગોનો ઉલ્લેખ કરી શબ્દાંજલી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવક્તા સંજયભા ગઢવીએ કરી મહેમાનોને આવકારી ABCGMY મોરબી ટીમની કામગીરીઓની ચર્ચા કરી હતી. મોરબી તાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડાએ તથા મિડિયા પ્રભારી મેહુલભાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત કરી હતી. આ તકે મોરબીના જાણીતા સાહિત્યકાર રાજભા ગઢવી, હરદેવદાન ગઢવી, લખુભા ગઢવી, અમિતભા સાદૈયા વગેરેએ હાજર રહી કવિ કાગને પુષ્પો અર્પણ કરી વિશેષ હાજરી આપી હતી.