રાજકોટથી મોરબી પ્રવેશતા મુખ્ય દ્વાર પરના ટ્રાફિકજામની સમસ્યાનું આવશે નિરાકરણ મોરબી : ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહેલા ઉમિયા સર્કલ પર ઓવરબ્રિજ બનાવવાની માંગને માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળતા આવનારા દિવસોમાં અહીં ઓવરબ્રિજ બનશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પ્રોજેકટ માટે લેખિત સહમતી આપતા મોરબીવાસીઓની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે એકાદ માસ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉમિયા સર્કલે પડી રહેલી ટ્રાફિકની સમસ્યાથી અવગત કરાવીને લેખિત રજુઆત કરી હતી. જેમાં રાઘવજીભાઈએ ઉમિયા સર્કલે થતા ટ્રાફિકજામ, વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માત તેમજ વાહનચાલકોને પડતી હાલાકી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ રજૂઆતના પગલે બીજી માર્ચના રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાંત્રિક અભિપ્રાય મેળવવા માટેની કવાયત શરૂ કરવામાં આવનાર હોવાનો લેખિત જવાબ મળતા ઉમિયા સર્કલે ઓવરબ્રિઝ બનાવવા માટે ટૂંક સમયમાં સર્વેની કામગીરી હાથ ધરાશે. જો બધું સમુસુતરું પાર ઉતરશે તો મોરબીથી રાજકોટ જવા માટે વેઠવી પડતી અગવડતાનો અંત આવશે.