રૂ. 20.93 કરોડનું ટેન્ડર બહાર પડાયું: ટ્રાફિક તથા વરસાદી પાણીની સમસ્યાથી ટૂંક સમયમાં રાહત મળશેમોરબી: મોરબી શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા એસ.પી. ચોકડીથી રવાપર ઘુનડા રોડ (એસ.પી. મેઈન રોડ) પર હવે ટૂંક સમયમાં જ શહેરીજનોને નવીન અને આધુનિક સુવિધા મળશે. મોરબી મહાપાલિકા દ્વારા આ રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન નાખવા અને વાઈટ ટોપીંગ ટ્રીટમેન્ટ સાથેનો મજબૂત રોડ બનાવવા માટે રૂ. 20.93 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.મહાપાલિકાની સિવિલ અને સિટી બ્યુટીફીકેશન શાખા દ્વારા અખબારી યાદીમાં આ અંગેની વિગતો આપવામાં આવી છે. યાદી મુજબ, એસ.પી. મેઈન રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિકાલ માટે 900 એમ.એમ. DIA ની સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન નાખવામાં આવશે.વળી, રોડને અત્યંત ટકાઉ અને ઉચ્ચ ગુણવત્તાનો બનાવવા માટે વાઈટ ટોપીંગ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આ કામગીરીમાં સબગ્રેડ લેયરમાં 200 એમ.એમ. W.B.M., સબ બેઝ લેયરમાં 150 એમ.એમ. ડ્રાય લીન કોન્ક્રીટ (DLC) ટ્રીટમેન્ટ, અને M35 ગ્રેડ સાથે 250 એમ.એમ. વાઈટ ટોપિંગની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આ પ્રકારે આશરે 10 મીટર પહોળો અને મજબૂત રોડ તૈયાર કરવામાં આવશે.ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં અને એજન્સીની નિમણૂક થતાં જ આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. મહાપાલિકાએ જણાવ્યું છે કે, આ નવીન સુવિધાઓથી આ સુંદર રોડ પર આવેલ સોસાયટીઓના રહેવાસીઓ સહિત સમગ્ર શહેરીજનોને ખૂબ જ લાભ થશે અને ટ્રાફિક તથા વરસાદી પાણીની સમસ્યામાં રાહત મળશે.