બિન શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરતાં સંસ્થાઓમાં વહીવટી કામગીરી ખોરવાઈ. મોરબી : રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખુબજ લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નો બાબતે સરકારશ્રીને વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તેમજ મંડળના હોદ્દેદારોની અગ્ર સચિવ શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીઓની હાજરીમાં શિક્ષણમંત્રી અને નાણામંત્રી સાથે યોજાયેલ રૂબરૂ મુલાકાતો દરમ્યાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનોનું યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સહમતી દર્શાવ્યા બાદ પણ આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવેલ નથી. આથી પડતર પ્રશ્ને સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેકનિકના અધ્યાપકો આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અધ્યાપકોના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર દ્વારા બાહેધરી અપાયા ઉપરાંત સમય મર્યાદા નક્કી કરવા છતાં પણ સતત અણગણવામાં આવેલ છે. વધુ માં ટેકનીકલ શિક્ષણ વિભાગમાં આશરે ૬૦૦ જેટલા કોર્ટ કેસો હોવા એ ટેકનિકલ શિક્ષણ વિભાગની નિતિ-રીતી અને કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. વર્ષો સુધી રાહ જોવા છતાં પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨થી ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપવાનું ઠરાવેલ હતું જે અંતર્ગત પ્રથમ તબક્કામાં તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨થી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આંદોલનનો પ્રારંભ કરેલ હતો. આ અભિયાનમાં સરેરાશ આશરે ૨૫૦૦૦થી વધુ ટ્વિટના હેસ ટેગ સાથે મુખ્યમંત્રી, નાણામંત્રી તેમજ શિક્ષણ મંત્રીને ટ્વીટ કરી પોતાની માંગણી પહોંચાડવા પ્રયાસ કરેલ હતો અધ્યાપકો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે જુદા જુદા પ્રકારના પોસ્ટર બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકાયેલા હતા. બીજા તબક્કામાં સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેક્નિકના અધ્યાપકો શૈક્ષણિક કાર્યની સાથોસાથ કચેરી સમય પહેલાં/પછી કે રિશેષ દરમ્યાન સંસ્થા ખાતે એકત્રિત થઇ બેનર/પોસ્ટર સાથે અન્ય દેખાવો જેવાકે રામધૂન, રેલી , સૂત્રોચાર અને સોશિયલ મિડિયા મેસેજથી વિવિધ પડતર પ્રશ્નો જેવા કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS), લાંબા સમયથી બઢતી અને બદલીની અવગણના, જુની પેન્શન યોજના અને સાતમા પગારપંચના ભથ્થાં જેવા કે TA અને DA ની માંગણી માટે મુખ્યમંત્રીશ્રી, નાણામંત્રી તેમજ શિક્ષણ મંત્રીને ટ્વીટ કરીને પણ પોતાની માંગણી પહોંચાડવા ઉત્સાહપૂર્વક પ્રયાસ કરેલ છે. હજી સુધી કોઈ સમાધાનકારી વલણ સરકાર દ્વારા દાખવેલ ના હોઈ તારીખ ૨૩.૦૯.૨૦૨૨ થી રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેક્નિકના અધ્યાપકો બિન-શૈક્ષણિકકાર્ય જેવા કે મહેકમ વિભાગ સંબંધિત, એકાઉન્ટ વિભાગ સંબંધિત, હોસ્ટેલ સંચાલન સંબંધિત વિગેરે કાર્યનો બહિષ્કાર શરૂ કર્યો છે. જેની અસર દેખાવાની શરૂઆત થઈ ગયેલ છે. પોલિટેકનિક ના ભાગે આવતા RTO ના લર્નિંગ લાઈસન્સની કામગીરી અટકી ગઈ છે. આવતીકાલે તારીખ 27-09-2022 ના રોજ GTU ના લેકાવાડા કેમ્પસના ભૂમિપૂજન કાર્યક્રમમાં સરકારી અધ્યાપકો ખૂબ ઓછી હાજરીમાં દેખાય તેવી શક્યતા રહેલી છે. આ ઉપરાંત તા. ૨૯.૦૯.૨૦૨૨ થી તા. ૧૨.૧૦.૨૦૨૨ દરમ્યાન યોજાનાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૩૬ નેશનલ ગેમ્સમાં પણ અધ્યાપકોને શિક્ષણના ભોગે બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવેલ છે. જેનો અધ્યાયકો વિરોધ કરી રહ્યા છે. સરકારી ઈજનેરી કોલેજ અને પોલિટેક્નિકના અધ્યાપકોના પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ મંડળના પ્રમુખએ જણાવ્યું હતું.