મોરબી : મોરબીના શનાળા ગામ ખાતે ઉમિયા ગેટ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર સંચાલિત સરસ્વતી વિદ્યાલયના શિક્ષિકા બહેનો પૂજાબહેન મોરડીયા તથા હેતલબહેન વ્યાસને ગત સોમવારે શનાળા ગામ પાસે રોડ પરથી અંદાજે રૂપિયા 70,000ની કિંમતની સોનાની કંઠી મળી હતી. આથી આ શિક્ષકોએ આ સોનાની કંઠી મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ આપ્યું હતું. સોનાની કંઠી મળી આવ્યા બાદ શિક્ષકોએ તુરંત જ આ કંઠીને પોતાની પાસે રાખવાને બદલે તેના મૂળ માલિકને શોધી પરત આપી દેવાનો નિર્ણય લઈ કંઠી સ્કૂલમાં જમા કરાવી હતી અને સતત ત્રણ દિવસ સુધી સાર્થક વિદ્યામંદિર શનાળાના તમામ શિક્ષકો તથા સંચાલકોએ કંઠીના મૂળ માલિકને શોધવા સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. આખરે આ દાગીનાના મૂળ માલિકની ઓળખ મળતા બીજા દિવસે જ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તેમને સ્કૂલે બોલાવીને યોગ્ય આધાર પુરાવાઓ ચકાસી કંઠી તેના મૂળ માલિકને પરત કરી હતી. શનાળાના જ નિવાસી રામજીભાઈ શિરવી તથા તેમના પુત્ર રજનીભાઈ શિરવીએ પોતાની ખોવાયેલી કંઠી પરત મળી જતાં રાહતનો શ્વાસ લીધો હતો અને શાળા પરિવાર તથા કંઠી પરત કરનાર બહેનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ શિક્ષકોની પ્રામાણિકતાને બિરદાવતા રોકડ રકમ પણ શાળાના બાળકોને શૈક્ષણિક ઉપયોગ માટે અર્પણ કરી હતી. આ તકે સાર્થક વિદ્યામંદિર શાળા પરિવાર દ્વારા શિક્ષિકા બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને શાળાના સંચાલક નીરવભાઈ માનસેતાએ શિક્ષિકા બહેનોને પ્રામાણિકતા બતાવી એક આદર્શ શિક્ષકનું ઉદાહરણ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..