બાળ શિક્ષકોએ વર્ગખંડોમાં વિદ્યાના પાઠ ભણાવવાની સાથે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ જાળવણીનો સંદેશ આપ્યોમોરબી અપડેટ : દરેક વ્યક્તિના જીવન અને પ્રગતિમાં શિક્ષકનું મોટું યોગદાન રહેલું હોય છે. બાળકો જે શાળામાં ભણતા હોય તે જ શાળામાં જ્યારે તેઓ એક દિવસ માટે શિક્ષક બનીને શિક્ષણકાર્ય કરાવે ત્યારે તેમનો ઉત્સાહ અનેરો હોય છે. આ જ ઉત્સાહ સાથે કાલીકાનગર પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.શિક્ષક દિન નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓએ બાળ શિક્ષક બનીને સવારની પ્રાર્થનાથી લઈને શાળાના સમગ્ર શૈક્ષણિક કાર્યનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું. આ બાળ શિક્ષકોએ વિવિધ વર્ગખંડોમાં જઈને અન્ય વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક વિદ્યાના પાઠ ભણાવ્યા હતા.સામાન્ય અભ્યાસક્રમની સાથે સાથે આ બાળ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને પર્યાવરણનું શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. જેમાં શાળામાં કાર્યરત ઇકો ક્લબ તેમજ વિવિધ ઔષધિઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. શિક્ષક દિવસના અંતે આ તમામ બાળ શિક્ષકો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પ્રકૃતિની જાળવણી કરવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.#Morbi #TeachersDay #KalikanagarPrimarySchool #MorbiUpdates #MorbiNews #EducationNews #TreePlantation #GujaratEducation