મોરબી : બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસરની નિમણૂકમાં જાતિવાદી અને પક્ષપાતી વલણ અપનાવવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ખારી- ત્રાજપર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પરમાર નરેન્દ્ર નાનજીભાઈએ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. તેમણે આ અંગે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી છે.રજૂઆતમાં પરમાર નરેન્દ્ર નાનજીભાઈએ જણાવ્યું છે કે તેમની શાળામાં ૧૦ શિક્ષકો છે, જેમાંથી ૯ શિક્ષકોના બીએલઓ તરીકે ઓર્ડર કરવામાં આવ્યા છે. શાળામાં ૩૫૮ વિદ્યાર્થીઓ હોવા છતાં અને બે શિક્ષકોની ઘટ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવતા શૈક્ષણિક કાર્યને ગંભીર અસર થવાની શક્યતા છે. તેમજ અગાઉ ક્યારેક તમામ શિક્ષકોના ઓર્ડર થયા હોય તેવું બન્યું નથી. હાલ પણ શાંતિવન સ્કૂલમાં ૧૫ માંથી માત્ર ૩ શિક્ષકોના જ બીએલઓના ઓર્ડર નીકળ્યા હોવાનું જણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મોરબીના નાયબ મામલતદાર દ્વારા બીએલઓની નિમણૂકમાં અમુક ચોક્કસ સમાજના શિક્ષકોને લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આના પરિણામે એસ.સી., એસ.ટી., અને ઓ.બી.સી. સમાજના શિક્ષકોના ઓર્ડર મનઘડત રીતે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેટલીક મહિલા શિક્ષકોને પણ સંવેદનશીલ વિસ્તારોમાં કામગીરી સોંપવામાં આવી છે, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો સરકારી કચેરીઓમાં જ આવા ભેદભાવપૂર્ણ વલણ અપનાવવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના સિદ્ધાંતને કઈ રીતે સાર્થક કરી શકાશે. શિક્ષક નરેન્દ્રભાઈએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કામગીરી કરવા સામે નથી, પરંતુ નિમણૂકમાં અપનાવવામાં આવેલા પક્ષપાતી વલણ સામે વાંધો છે. તેમણે પ્રાંત અધિકારી સમક્ષ માંગણી કરી છે કે આવા ભેદભાવ રાખતા કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ એક શાળામાંથી ૫૦% કરતાં વધુ શિક્ષકોની નિમણૂક ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે, જેથી બાળકોના શિક્ષણને નુકસાન ન થાય.