મોરબી : મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. એકમ હેઠળ આજે તા. 27-9-2025ના રોજ 'ટીબી મુક્ત ભારત અભિયાન' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડૉ. શ્યામ સોમૈયા (મેડિકલ ઓફિસર), અર્બન હેલ્થ સેન્ટર, સોઓરડી તથા પિયુષભાઈ ડી. જોષી (ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો-ઓડિનેટર), ટી. બી. જિલ્લા ક્ષય કેન્દ્ર, મોરબીથી તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત નિક્ષય મિત્ર પહેલ દ્વારા ટી. બી. દર્દીઓને સામાજિક, ભાવનાત્મક તથા પૌષ્ટિક સહયોગ ઉપલબ્ધ કરાવવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેથી તેઓ પોતાના વિસ્તારમાંના ટી.બી. દર્દીઓના નિક્ષય મિત્ર બનીને તેમને જરૂરી સહયોગ આપી શકે. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં ક્ષયરોગ (ટી.બી.) અંગે જાગૃતિ લાવવી,'ટીબી મુક્ત ભારત 2025'ના લક્ષ્ય તરફ યુવાનોનું યોગદાન સુનિશ્ચિત કરવું, ટીબી વિશેની ખોટી માન્યતાઓ દૂર કરવી અને નિઃશુલ્ક સારવાર સુવિધાઓની માહિતી આપવાનો હતો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ. રામભાઈ વારોતરિયા, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.અતુલભાઈ ઘુવ દ્વારા કરવામાં આવ્યું હતું.