મોરબી : મોરબીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે મોરબીની ઝવેરી શેરીમાં છેલ્લા ૧૦ વર્ષથી રોડ બનેલ ન હોય, સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ ગંભીર સમસ્યા અંગે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો દ્વારા મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક રોડ બનાવવા અથવા બ્લોક પાથરવા માંગ કરવામાં આવી છે.મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ વી. દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ મેરૂભાઈ રાણેવાડિયા અને ગીરીશભાઈ કોટેચા સહિતના આગેવાનોએ મહાનગરપાલિકા કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, મોરબીમાં આવેલ ઝવેરી શેરીનો રોડ સાવ ખખડધજ હાલતમાં છે. છેલ્લા ૧૦ વર્ષથી અહીં રોડ બન્યો જ નથી. રસ્તાની હાલત એટલી હદે બિસ્માર છે કે માણસો ચાલી શકે તેવી કોઈ સ્થિતિ જ નથી.આ બિસ્માર રસ્તા પરથી પસાર થતા વૃદ્ધો અને બાળકો અવારનવાર પડી જાય છે અને ઈજાગ્રસ્ત બને છે. વાહનો પણ સ્લીપ ખાઈ જતા હોવાથી ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ હંમેશા સેવાઈ રહી છે. આ અંગે અગાઉ તારીખ ૦૩-૧૨-૨૦૨૪ ના રોજ પણ અરજી આપવામાં આવી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. કાર્યકરોએ તંત્રની આકરી ઝાટકણી કાઢતા લેખિતમાં આક્રોશ ઠાલવ્યો છે કે, 'મહાનગરપાલિકા પબ્લિક પાસેથી ટેક્ષ ડબલ વસૂલે છે, પરંતુ સુવિધાના નામે માત્ર મીંડું છે!'આવેદનપત્રના અંતમાં સામાજિક કાર્યકરો અને લત્તાવાસીઓએ કમિશનરને નમ્ર અપીલ કરી છે કે તેઓ જાતે સ્થળ તપાસ કરી ઝવેરી શેરીની ગંભીર હાલતનો તાગ મેળવે અને પ્રજાના હિતમાં તાત્કાલિક ધોરણે આ શેરીમાં બ્લોક પાથરી આપે અથવા નવો રોડ બનાવી આપે. હવે જોવાનું એ રહે છે કે, કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર આ રજૂઆત બાદ જાગે છે કે કેમ?