રવિવારે રાત્રે થયેલી ચોરીના બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હળવદ : હળવદમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં તસ્કરોએ બે મકાનોને નિશન બનાવી રૂપીયા ૧.૯૫ લાખના મુદામાલની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. રવિવારે રાત્રે થયેલી ચોરીના બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નરેન્દ્રભાઈ ગટુરભાઈ બાવળીયા (ઉં.વ.૨૪ ધંધો-ખેતી રહે-ગામ માનસર તા-હળવદ) એ કોઇ અજાણ્યા ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૧૮ રોજ ના રાતના એક વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે ફરીયાદી તથા સાહેદના મકાનમાં આરોપીઓએ પ્રવેશ કરી ફરીયાદીના મકાનના રૂમમા રાખેલ કબાટના દરવાજો ચાવીથી ખોલી તેમા રાખેલ સોનાના અલગ-અલગ દાગીના વજન આશરે ૭થી ૮ તોલા (કિમત રૂ.૧,૩૦,૦૦૦) તથા ચાંદીના દાગીના અલગ-અલગ વજન આશરે ૩૦૦ ગ્રામ (કી.રૂ. ૧૦૦૦૦) તથા સાહેદ વાઘજીભાઈ શીવાભાઈના મકાનના રૂમની પાછળની બારી તોડી રૂમમા પ્રવેશ કરી રૂમમા રાખેલ કબાટના લોક તોડી અંદર રાખીલ ચાંદીના અલગ અલગ દાગીના વજન આશરે ૫૦૦ ગ્રામ (કિમત રૂ.૧૫૦૦૦) તથા રોકડ રૂપીયા ૪૦૦૦૦ મળી કુલ રૂપીયા ૧,૯૫,૦૦૦ ના મુદામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.