તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની તાકીદ કરાઈ, એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ, માછીમારોને માછીમારી ન કરવા અને નિચાણવાળા વિસ્તારોને સૂચના અપાઈ મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલ તા.15 અને 16 ના રોજ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર વધુ સાબદુ બન્યું છે અને તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની તાકીદ કરાઈ છે અને એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. તેમજ માછીમારોને માછીમારી ન કરવા અને નિચાણવાળા વિસ્તારોને સૂચના અપાઈ છે. મોરબી જિલ્લામાં બુધવાર અને ગુરુવારે એમ બે દિવસ સુધી એકધારો ધીમીધારે વરસાદ પડ્યો હતો. બાદમાં હવે ગઈકાલ રાત્રિથી મેઘવીરામ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા તા. 15 અને તા. 16 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બનીને તકેદારીના પગલાં લીધા છે. મામલતદાર, ચીફ ઓફિસર, ટીડીઓ સહિતના જિલ્લાના તમામ અધિકારીઓને આ બે દિવસ સુધી હેડ ક્વાર્ટર ન છોડવાની તાકીદ કરવામાં આવી છે. એક એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. માછીમારોને બોટ લઈને માછીમારી કરવા ન જવાની સૂચના અપાઈ છે. તેમજ નિચાણવાળા વિસ્તારોના લોકોને દરિયાકિનારે કે નદીના પટ્ટમાં અવરજવર ન કરવાની સુચના આપવામાં આવી છે. તેમ અધિક કલેકટર કેતન જોશીએ જણાવ્યું છે.