200 રૂપિયા આપો તો પાણીનું ટેન્કર આવશે ! અજીતગઢ બોળાના રણમા 10 દિવસથી પાણી નથી પહોચ્યુ હળવદ : હળવદના રણકાંઠા વિસ્તારમાં અંતરિયાળ વસવાટ કરી મીઠું પકવતા અગરિયાઓની હાલત હાલ ઉનાળામાં કફોડી બની છે. સરકારી ચોપડે તંત્ર દ્વારા ટેન્કર દોડતા કરાયા છે પરંતુ ગરીબ અગરિયાઓ પાસે રૂપિયા 200 - 200ની માંગણી કરી ટેન્કર ચાલકો છેલ્લા દસેક દિવસથી પાણી ન પહોંચાડતા હોય ટીપાં પાણી માટે અગરિયાઓની કિલોમીટરની રઝળપાટ કરવી પડે છે. હળવદ રણકાંઠા વિસ્તારમાં સેંકડો અગરિયા પરિવાર રોજી રોટી મેળવવા સમાજથી અળગા બની ધોમધખતા તાપમાં કાળી મજૂરી કરતા હોય છે અને આ ગરીબ અભણ અગરિયા પરિવારો માટે સરકાર દ્વારા પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે મસ મોટી જાહેરાત કરવામાં આવે છે પરંતુ ખરા અર્થમાં અહીં આવી સુવિધા માત્ર કાગળ ઉપર જ સીમિત રહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને હાલમાં હળવદ તાલુકાના અજિતગઢ બોળા રણમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીના ટેન્કર બંધ કરી દેવામાં આવ્યા છે અને જો અગરિયા પરિવાર 200 - 200 રૂપિયા આપે તો જ પાણી પહોંચાડવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી રણમા અગરીયા પરિવારોને પાણી પહોચાડવાનુ બંધ થતાં હાલમાં અગરિયાઓને દુર - દુર સુધી પાણી માટે રઝળપાટ કરવી પડતી હોવાનું બહાર આવ્યું છે.