ટંકારા : ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના હવામાન નિષ્ણાત રમેશભાઈ બસિયાએ આગામી પાંચ દિવસ એટલે કે 17 થી 22 ઓક્ટોબર સુધી હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. જેમાં જણાવાયું છે કે મોરબી, રાજકોટ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 17થી 22 ઓક્ટોબર દરમિયાન માવઠાની કોઈ શક્યતા નથી, જ્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક મર્યાદિત વિસ્તારોમાં 21 કે 22 ઓક્ટોબરની આસપાસ હળવા ઝાપટા કે છાંટા પડવાની સંભાવના છે. રમેશભાઈ બસિયાની આગાહી મુજબ, 19 ઓક્ટોબરે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ બનશે, જે પાછળથી વધુ મજબૂત બનશે. આ સિસ્ટમ ગુજરાતને સીધી રીતે અસર નહીં કરે, પરંતુ તેના ભેજવાળા પવનો દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં હળવું માવઠું થઈ શકે છે.આ દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર-પૂર્વ કે કેટલાક દિવસોમાં પૂર્વ દિશામાંથી ફૂંકાશે. તાપમાનની વાત કરીએ તો, લઘુત્તમ તાપમાન 22થી 25 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33થી 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ભારતના દક્ષિણ રાજ્યો જેમ કે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ઉત્તર-પૂર્વ ચોમાસું આજથી શરૂ થશે, જ્યાં ભારે વરસાદની આગાહી છે. બીજી તરફ, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીને કારણે સૂકું હવામાન રહેશે.