એલસીબીએ 17 દુકાનોમાં થયેલી રૂ.1.95 લાખ અને એક બાઇકની ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો : રૂ.1.47 લાખનો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો ટંકારા : ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ પાટીદાર ચેમ્બર કોમ્પલેક્ષની 17 દુકાનોમાંથી થોડી સમય પહેલા રૂ.1.95 લાખ અને સોસાયટીમાંથી એક બાઇકની થયેલી ચોરીનો મોરબી એલસીબીની ટીમે આજે ભેદ ઉકેલી નાખ્યો હતો. ચોરાઉ મોબાઈલ મોરબીમાં વેચવા આવતા હોવાની બાતમીના આધારે પોલીસે તસ્કર બેલડીને ઝડપી લીધી હતી. પોલીસની પૂછપરછમાં આ બન્ને શખ્સોએ તેમના અન્ય એક સાગરીતની મદદથી આ ચોરીના બનાવને અજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે બન્ને આરોપીઓ પાસેથી રૂ.1.47 લાખનો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ટંકારાના લતીપર રોડ ઉપર પાટીદાર ચેમ્બરમાં આવેલ 17 દુકાનોને ગત તા.20 ઓગસ્ટના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ 17 દુકાનોના તાળા તોડીને ભારે તરખાટ મચાવ્યો હતો. જેમાં તસ્કરોએ લતીપર રોડ ઉપર પાટીદાર ચેમ્બરમાં આવેલ ન્યુ મામા મોબાઈલ દુકાનમાંથી એક લેપટોપ, અલગ અલગ કંપનીના 11 મોબાઈલ ફોન તેમજ બાલાજી કોમ્પલેક્ષમાં આવેલ બાપા સીતારામ મોબાઈલની દુકાનમાંથી અલગ અલગ કંપનીના 4 મોબાઈલ તથા રૂ.42 હજાર અને અન્ય દુકાનોમાંથી નાની માટી ચીજવસ્તુઓ મળીને કુલ રૂ.1.95 લાખ તેમજ બાજુની સોસાયટીમાંથી એક બાઇકની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની વેપારીઓએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી જિલ્લા પોલીસ વડા ઓડેદરા અને એલસીબી પી.આઈ વી.બી.જાડેજાની સુચનાને પગલે એલસીબી ટીમે આ ચોરીનો ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન આજે એલસીબી સ્ટાફના રજનીકાંતભાઈ કૈલા ,સંજયભાઈ.પટેલ તથા અશોકસિંહ ચુડાસમાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારા પાસે દુકાનોમાં ચોરી કરનાર બે શખ્સો ચોરાઉ મોબાઈલ લઈને મોરબી તરફ વેચવા માટે આવી રહ્યા છે.આ પ્રકારની બાતમી મળતા એલસીબીની ટીમે આજે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી ટંકારા પાસે દુકાનોમાં ચોરી કરનાર મુકેશ મથુંરભાઈ સંગાડા અને પંકજ વિરસિંગ ડામોર (રહે બન્ને મૂળ દાહોદ ,હાલ મોરબીના મોડપર ગામની સીમમાં ) ને ઝડપી લીધા હતા.આ બન્ને શખ્સોએ પોલીસની પૂછપરછમાં અન્ય એક શખ્સ કૈંલેશ પેનો વસુનિયા (રહે મૂળ દાહોદ ,હાલ મોરબીના મોડપર ગામની સીમમાં )ની સાથે ટંકારા નજીક 17 દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી.આ ઉપરાંત આરોપી મુકેશ મથુંરભાઈ સંગાડા અગાઉ ધાનપુર ખાતે સ્કૂલમાં ચોરીના ગુના પકડાયો અને બીજો આરોપી પંકજ વિરસિંગ ડામોર પડધરી ખાતે અપહરણના ગુનામાં પકડાયો હોવાનું ખુલ્યું હતું હાલ પોલીસે બન્ને શખ્સોની રૂ 1.47 લાખનો ચોરાઉ મુદ્દામાલ સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.