મોરબી : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને મોરબી જિલ્લાના એક માત્ર મહિલા બાળસાહિત્યકાર જીવતીબેન પીપલીયાના બાળગીતસંગ્રહ પુસ્તક ‘પરીબાઈની પાંખે’ ને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક એનાયત થશે.ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષા-સાહિત્યનાં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વર્ષ-2022 અંતર્ગત બાળ વિભાગમાં મોરબીના એક માત્ર મહિલા બાળસાહિત્યકાર અને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા જીવતીબેન પીપલીયા 'શ્રી' નાં બાળકાવ્યસંગ્રહ 'પરીબાઈની પાંખે' (બાળગીતસંગ્રહ) ને તૃતીય ક્રમે પારિતોષિક જાહેર થયું છે. આ પારિતોષિક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 21 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે. 5 હજાર રૂપિયા ધનરાશિ સાથે આ બહુમૂલ્ય સન્માન પત્ર પણ જીવતીબેન પીપલીયા 'શ્રી' ને આપવામાં આવશે. આ તબક્કે શાળા પરિવાર, ગ્રામજનો અને શિક્ષણ જગત તરફથી જીવતીબેન પીપલીયા 'શ્રી' ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ આપવામાં આવી છે.